• ગુજરાત સરકાર કુલદીપ શર્મા સામેની તપાસ વહેલી તકે પૂર્ણ કરે:સુપ્રીમ કોર્ટ
  • અરજદારને સંબંધિત કમિટી સમક્ષ વાંધા રજૂ કરવા સરકાર મંજૂરી આપે
  • ભૂતકાળમાં કેટ અને હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવેલી

ગુજરાતના ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્માએ તેની સામેની ખાતાકીય કાર્યવાહીને રદ કરવા માટે કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નિર્દેશ આપ્યો છે કે કુલદીપ શર્મા સામેની તપાસ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરો અને કુલદીપ શર્માને સંબંધિત કમિટી સમક્ષ તેના વાંધા રજૂ કરવા માટે મંજૂરી આપો. સુપ્રીમ કોર્ટે અરજદારને સવાલ કરેલો કે, આ કાર્યવાહીને સાત વર્ષ બાદ શા માટે પડકારી છે ? આઈપીએસ અધિકારી હોવાના ધોરણે તમને કાયદા અંગે જાણ હોવી જોઈએ.

કેસની વિગત

ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્માને વર્ષ 2012માં ગુજરાત સરકારે ચાર્જ મેમો ઈસ્યુ કરેલો. જેને સાત વર્ષ બાદ, તેણે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ ( કેટ) સમક્ષ પડકારેલો. જે અરજીને કેટ દ્વારા ફગાવાઈ હતી. જે હુકમને ગુજરાત હાઈકોર્ટે પણ યથાવત રાખેલો. જેની સામે તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરેલી. આ પછી, તેમને શો-કોઝ નોટિસ ઈસ્યુ કરાયેલી અને ચાર્જશીટ પણ ફાઈલ કરાઈ હતી. તેમની સામે આરોપ હતા કે જ્યારે તેમની બદલી ગુજરાત શીપ એન્ડ વુલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નવેમ્બર-2009માં થયેલી, ત્યારે તેમણે ચાર પોલીસ કર્મી કે, જેઓ ઓર્ડરલી હતા તેમની સેવા ચાલુ રાખેલી. મેનેજિગ ડિરેક્ટર તરીકેની આ પોસ્ટ એ સિવિલિયન પોસ્ટ છે, જેથી તેમને પોલીસ વિભાગના ઓર્ડરલી પાસેથી કામ લેવાની મંજૂરી મળતી નથી.


  • Follow us on: