• માનવ તસ્કરીના સોદાગરોને પકડવા ગુજરાત પોલીસ સક્રિય

  • ફ્લાઇટના મોટાભાગના પેસેન્જર બનાસકાંઠા,પાટણ,મહેસાણા,આણંદ જિલ્લાના હતા
  • ભારત સરકાર પાસે મદદ માગશે તો તેમને કોન્સ્યુલર એક્સેસ અપાશે

ફ્રાન્સમાં તાજેતરમાં 303 ભારતીય પેસેન્જર સાથેનું નિકારાગુઆ જતું વિમાન અટકાવાતા પ્રકાશમાં આવેલા માનવ તસ્કરીના નેટવર્ક મામલે ગુજરાત પોલીસે માસ્ટરમાઇન્ડ્સને જબ્બે કરવા કમર કસી છે. પોલીસના જણાવ્યાનુસાર આ કેસમાં પેસેન્જરોએ સાઉથ અમેરિકાથી અમેરિકાની દક્ષિણ બોર્ડર સુધી પહોંચવામાં મદદ માટે એજન્ટોને રૂ. 40 લાખથી 1.25 કરોડ સુધીની રકમ ચૂકવી હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગના પેસેન્જર બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને આણંદ જિલ્લાના હતા. ફ્લાઇટના અન્ય પેસેન્જરો પૈકી મોટાભાગના પંજાબના હતા. ગુજરાત પોલીસ પંજાબમાં પણ તપાસ કરી શકે છે.

 યુએઇથી ઉપડેલું અને ફ્રાન્સમાં રિફ્યૂઅલિંગ માટે ઉતરેલું એરબસ એ-340 ચાર્ટર્ડ પ્લેન માનવ તસ્કરીની બાતમીના પગલે અટકાવાયું હતું. પોલીસ એ પણ જાણવા માગે છે કે આ પેસેન્જરો એજન્ટોના સંપર્કમાં કેવી રીતે આવ્યા? કે પછી એજન્ટોએ સામેથી તેમનો સંપર્ક કર્યો હતો કે કેમ? નિકારાગુઆ પહોંચ્યા પછી તેમનો શું પ્લાન હતો? આ રીતે અત્યાર સુધીમાં કેટલા લોકો અમેરિકા સહિત વિદેશ ગયા છે? સીઆઇડીને હજુ સુધી આ નેટવર્કમાં સંડોવાયેલા એજન્ટોની કાચી માહિતી મળી છે. પેસેન્જરોની પૂછપરછ પછી જ તેને વધુ વિગતો મળી શકે છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઇલીગલ ઇમિગ્રેશન સાથે સંકળાયેલા એજન્ટો ભેગા મળીને કામ કરતા હોય છે. ગામ કે જિલ્લા કક્ષાએ કામ કરતા એજન્ટો ઇન્ટરનેશનલ લેવલે સક્રિય સૂત્રધારના પ્યાદા હોય છે, જેઓ કેવી રીતે ઓપરેટ કરે છે તેનું ગુજરાત પોલીસ તપાસ કરીને સ્પષ્ટ ચિત્ર મેળવશે. દરમિયાન, ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે ફ્લાઇટમાંના મોટાભાગના ભારતીય પ્રવાસીઓ પાછા ફરી ચૂક્યા છે અને જે ભારતીયો ફ્રાન્સમાં રોકાયા છે તેઓ ભારત સરકાર પાસે મદદ માગશે તો તેમને કોન્સ્યુલર એક્સેસ અપાશે.


  • Follow us on: