- જમ્મુમાં PMO ઓફિસર ગણાવતો કિરણ પટેલ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે
- અમદાવાદમાં પણ કિરણ પટેલ સામે ગુના નોંધાઈ ચૂક્યા છે
- કિરણ પટેલ અમદાવાદમાં પૂર્વ DySP સાથે પણ કરોડોની ઠગાઈ કરી ચુક્યો છે
PMOના ઉચ્ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી છે. આ મહાઠગ કિરણ પટેલ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. જમ્મુમાં PMO ઓફિસર ગણાવતો કિરણ પટેલ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે. અગાઉ અમદાવાદમાં પણ કિરણ પટેલ સામે ગુના નોંધાઈ ચૂક્યા છે. કિરણ પટેલ અમદાવાદમાં પૂર્વ DySP સાથે પણ કરોડોની ઠગાઈ કરી ચુક્યો છે.
મૂળ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના નાઝ ગામનો વતની કિરણ પટેલ વડતાલ મંદિરમાં ગાડી ભાડે મુકવાનુ કહીં 2 નિવૃત્ત DySP, P.I, PSI સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે. જે મામલે 6 વર્ષ પહેલા અમદાવાદના નરોડા પોલીસ મથકમાં તેની વિરુદ્ધ FIR નોંધાઈ ચૂકી છે. કિરણ પટેલના નામે માત્ર અમદાવાદમાં જ નહીં વડોદરામાં પણ ગુનાઓ નોંધાઇ ચૂકયા છે. હાલ અમદાવાદના પૂર્વ વિસ્તારના સ્મૃતિ મંદિર નજીક ઘર ધરાવે છે.
જમ્મુ પોલીસે કરી છે ધરપકડ
ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીર પોલીસે શ્રીનગરમાં એક મોટી કાર્યવાહી કરી છે. એક હાઈપ્રોફાઈલ કેસમાં અમદાવાદના કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ કિરણ પટેલ નામના વ્યક્તિએ બનાવટી દસ્તાવેજોના આધારે સત્તાવાર પ્રોટોકોલ મેળવ્યો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિ પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલય, નવી દિલ્હીમાં એડિશનલ ડાયરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે આપતો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસને મળેલી ગુપ્ત માહિતી બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. શ્રીનગરની એક સ્થાનિક કોર્ટે ગુરુવારે (16 માર્ચ) કિરણને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો. આ વ્યક્તિ પોતાને પીએમઓ ઓફિસર ગણાવતો હતો.
મળતી માહિતી પ્રમાણે કિરણ પટેલ હોટલ લલિતના રૂમ નંબર 1107માં રહેતો હતો. તેમણે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં સ્થિત દૂધપથરી સહિત કાશ્મીરના ઘણા સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પટેલની સાથે એસડીએમ રેન્કના અધિકારી પણ હતા. પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ જગદીશ પટેલના પુત્ર કિરણ પટેલ તરીકે થઈ હતી. વર્ષ 2023ની FIR નંબર 19 નિશાત પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે, 02-03-2023ના રોજ પોલીસ સ્ટેશન નિશાતને મળેલી વિશ્વસનીય બાતમી પરથી જાણવા મળ્યું છે કે, છેતરપિંડી કરનાર ગુજરાતનો કિરણ પટેલ છે. કિરણ પટેલ પર આરોપ છે કે, તેણે લોકોને છેતર્યા છે. તે જોતા કિરણ વિરુદ્ધ આઈપીસીની કલમ 419, 420, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ ચાલી રહી છે.
શું હતો સમગ્ર મામલો ?
કિરણ પટેલ ગયા વર્ષે ઓક્ટોબરથી કાશ્મીર ખીણની મુલાકાતે હતો. તેની ધરપકડ કરવામાં આવે તે પહેલા તેણે ઉરીની કમાન પોસ્ટથી, એલઓસીની નજીક, શ્રીનગરના લાલ ચોક સુધી પોલીસ પ્રોટેક્શનમાં ફરી આવ્યો હતો. શ્રીનગરના નિશાત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, તેણે સરકારી મેજબાનીની મજા માણી, તેને પર્સનલ સિક્યુરિટી ઓફિસર (પીએસઓ) અને લક્ઝરી હોટેલમાં રૂમમાં અપાયો હતો. હવે તેની સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી લેવાયો છે. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું. તેની 10 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો.









