- હેલ્થ-ફૂડ વિભાગનું 498 એકમોમાં ચેકિંગ, 215 શંકાસ્પદ નમૂના લીધા
- મીઠો માવાનો 136 કિલો, પનીરનો 18 કિલો અને ઘીનો 11 કિલો જથ્થો નાશ કરાયો
- 233 એકમોને નોટીસ ફટકારીને દંડ વસૂલાયો
શહેરમાં મ્યુનિ.ના હેલ્થ-ફુડ વિભાગ દ્વારા દિવાળીના તહેવારો પહેલાં 29 ઓક્ટો.થી 4 નવે. સુધીના સમયમાં વિવિધ વિસ્તારોમાંથી 498 એકમોનું ચેકિંગ કરીને 215 સેમ્પલ લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી અંતર્ગત નરોડા, માધુપુરા અને રાયપુરના કોલ્ડ સ્ટોરેજમાંથી કુલ રૂ. 10.35 લાખનો 5,921 કિ.ગ્રા. જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ સાથે 233 એકમોને નોટીસ ફટકારીને 587 કિ.ગ્રા. અને 588 લીટર બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનો નાશ કરીને રૂ. 1.23 લાખનો દંડ વસૂલાયો છે. દિવાળીને પગલે મીઠો માવાનો 136 કિ.ગ્રા., પનીરનો 18 કિ.ગ્રા. અને ઘીનો 11 કિ.ગ્રા જથ્થો નાશ કર્યો છે.
દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને સમગ્ર શહેરમાંથી મિઠાઈ, માવો, નમકીન, વગેરેના સેમ્પલ લેવાની ઝુંબેશ સઘન બનાવવા મ્યુનિ. ફૂડ વિભાગને તાકીદ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ફૂડ વિભાગ દ્વારા 498 એકમોમાં ખાદ્ય એકમોની તપાસ કરીને 233 એકમોને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાંથી મીઠાઈના 74, ફરસાણના 39, ચોક્લેટસના 7, બેકરી પ્રોડેક્ટસના 14, ઘી-પનીરના 4,ખાદ્યતેલના 5, બેસન-મેંદાના 21, મસાલાના 1 અને અન્ય 50 શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે ફૂડ વિભાગે રૂ. 10.35 લાખનો જથ્થો સીઝ કર્યો છે, જેમાં નરોડા GIDCમાં આવેલ એસ્કીમો એગ્રીફ્રેશ કોલ્ડ સ્ટોરેજમાંથી ટ્રેડિશનલ સ્વીટ(ગોકુલ)નો 1,498 કિ.ગ્રા, રીટ સ્વીટ ડિલાઈટ(રાધે)નો 2,098 કિ.ગ્રા., સેફ માર્ક પ્રીમિયમ વીપ ટોપિંગ(માવીસ)નો 1,006 કિ.ગ્રા., માધુપુરાના શ્રી યોગેશ્વર માર્કેટીંગમાંથી પામોલીન તેલ(અર્બુદા ગોલ્ડ)નો 1,123.4 કિ.ગ્રા., જુના માધુપુરાના એચ.પી.ફુડ્સમાંથી પ્યોર ઘી(શુદ્ધ આહાર) 44.2 કિ.ગ્રા. અને રાયપુર દરવાજા બહાર સુમન માર્કેટિંગમાંથી દેશી ઘી (મધુસૂધન)નો 151.86 કિ.ગ્રા. જથ્થાનો સમાવેશ થાય છે.










