• અમલ આગામી નવા શૈક્ષણિક વર્ષ-2023-24થી અમલ કરી દેવાશે

  • પ્રથમ વર્ષે સર્ટિફિકેટ, ત્રણ વર્ષમાં સ્નાતક અને ચોથા વર્ષે ઓનર્સની ડિગ્રી અપાશે
  • ગુજરાત યુનિ. સંલગ્ન કોલેજમાં UG-PGમાં વર્ષ પ્રમાણે જુદા-જુદા સર્ટી. મળશે

ગુજરાત યુનિવર્સિટીમાં બીએ, બીકોમ, બીબીએ, બીસીએ સહિતના ત્રણ વર્ષે પૂર્ણ થતાં અંડર ગ્રેજ્યુએટ કોર્ષમાં ચાર વર્ષ કરવાનો આજે શનિવારે મળેલી સિન્ડીકેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સિન્ડીકેટમાં લેવાયેલા આ નિર્ણયના કારણે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ એક વર્ષનો થઈ જશે. આ નિર્ણયનો અમલ નવા શૈક્ષણિક વર્ષ-2023-24માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને લાગુ પડશે. આમ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નવા વર્ષથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના કુલ પાંચ વર્ષના શૈક્ષણિકકાળ દરમિયાન વર્ષ પ્રમાણે જુદા જુદા સર્ટીફિકેટ આપવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારના રોજ સિન્ડીકેટની બેઠક મળી હતી, જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં હતા. નવી શિક્ષણનીતિના સુચનોને ધ્યાનમાં રાખી લેવાયેલા નિર્ણયો પૈકી એક નિર્ણય યુજી-પીજીના કોર્ષનો લેવામાં આવ્યો છે. જેમાં યુજી-પીજીમાં વર્ષ પ્રમાણે જુદા જુદા સર્ટીફિકેટ આપવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં ગ્રુજ્યુએટ કુલ ત્રર્ણ વર્ષનું છે, જે ચાર વર્ષ કરવામાં આવશે અને પોસ્ટ ગ્રેજ્યુએટ જે બે વર્ષનું છે તે એક વર્ષનું કરવામાં આવશે. પરંતુ ગ્રેજ્યુએટની ડિગ્રી ત્રણ વર્ષે અને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી પાંચ વર્ષે જ અપાશે.

ચાર વર્ષના અંડર ગ્રેજ્યુએટ કોર્ષમાં વિદ્યાર્થીને પ્રથમ વર્ષે સર્ટિફિકેટ, બીજા વર્ષે ડિપ્લોમાં, ત્રીજા વર્ષે ડિગ્રી અને ચોથા વર્ષે ઓનર્સની ડિગ્રી એનાયત કરવામાં આવશે. યુનિ. સત્તાધીશોનો દાવો છે કે, આ નિર્ણયના કારણે વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને સરળતાથી પોસ્ટ ગ્રેજ્યુએટમાં પ્રવેશ મળશે. હાલમાં વિદેશ અભ્યાસ જતા વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષ ગ્રેજ્યુએટ કર્યા બાદ એક વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએટ કરવુ પડતુ હતું. યુનિવર્સિટીના સત્તાધીશોને પુછતા આ નિર્ણયનો અમલ આગામી નવા શૈક્ષણિક વર્ષ-2023-24થી અમલ કરી દેવાશે.


  • Follow us on: