- નવા ટ્રેક ઉપર ઇન્ટરલોકિંગની કામગીરી પૂર્ણ, આજે 14 ટ્રેન રદ
- મેલ-એક્સપ્રેસ અને ગુડ્સ ટ્રેન મળી રોજ 40 જેટલી ટ્રેન નવા ટ્રેક પરથી દોડાવાશે
- મોટી સંખ્યામાં ટ્રેનો રદ થતાં રક્ષાબંધનના તહેવાર તાણે લોકોએ ભારે હાલાકીનો સામનો
સુરત અને ઉધના વચ્ચે ત્રીજા ટ્રેક ઉપર ઇન્ટરલોકિંગની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. હવે સોમવારે રેલવેના સેફ્ટિ કમિશનર ટ્રેકનું ઇન્સ્પેક્શન કરી તમામ પેરામીટર યોગ્ય હશે તો ટ્રેન દોડાવવા માટે ગ્રીન સિગ્નલ આપી દેશે. સેફ્ટિ કમિશનરનું સર્ટિફિકેટ મળતાં જ સંભવતઃ સોમવારથી નવા ટ્રેક ઉપર ટ્રેનો દોડાવવાનો આરંભ કરી દેવાશે.
સુરત અને ઉધના વચ્ચે પાંચ કિલોમીટરમાં ત્રીજો ટ્રેક તૈયાર થઈ ગયો છે. આમ તો આ ટ્રેક પરથી એન્જિન દોડાવી ટ્રેકનું ઇન્સ્પેક્શન કરી લેવામાં આવ્યું છે. હવે સોમવારે અંતિમ ઇન્સ્પેક્શન રેલવેના સેફ્ટિ કમિશનર ખૂદ કરશે. આ માટે સેફ્ટિ કમિશનર સુરત આવશે. ત્યારબાદ ઉધનાથી સુરત વચ્ચેના પાંચ કિલોમીટર લાંબા ટ્રેક પર ઇન્સ્પેક્શનની સ્પેશિયલ ટ્રેનમાં ટ્રેકની ચકાસણી કરશે. ટ્રેક ઉપર વાઈબ્રેશનથી માંડીને ઝટકા લાગે છે કે નહીં તેમજ ઇન્ટરલોકિંગની સિસ્ટમ કાર્યરત છે કે નહીં તેના તમામ પેરામીટરની ચકાસણી કરશે. નવા ટ્રેક પરથી તાપ્તિગંગા રૂટની મેલ-એક્સપ્રેસ સહિત ગુડ્સ ટ્રેન મળી રોંજિદા 40 જેટલી ટ્રેનો દોડાવાશે. બીજી તરફ ટ્રેકના ઇન્સ્પેક્શનને પગલે સોમવારે 14 ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત 27મી ઓગસ્ટને રવિવારે 24 ટ્રેનો રદ થઈ હતી. રવિવારે મોટી સંખ્યામાં ટ્રેનો રદ થતાં રક્ષાબંધનના તહેવાર તાણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.










