• ડૉ. તેજલ રાવલે ‘થર્મોઇલેક્ટ્રીક હિટ એન્જિન’ વિષય પર સંશોધન કર્યું
  • ભૌતિક શાસ્ત્ર વિભાગના પ્રોજેક્ટને પ્રોપર્ટી ઇન્ડિયા દ્વારા સત્તાવાર મંજૂરી
  • સંશોધનથી ઇલેક્ટ્રીક વાહનોમાં બેટરીની કાર્યક્ષમતા બમણી થઇ શકે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સમયાંતરે થતાં સંશોધનને સત્તાવાર માન્યતા મેળવવા માટેની 55 વર્ષની પ્રતિક્ષાનો અંત આવ્યો છે. યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર વિભાગમાં ઇલેક્ટ્રીક વાહનો માટે ઉપયોગી પ્રોજેક્ટ-સંશોધનને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઇન્ડિયા દ્વારા પેટન્ટરૂપે સત્તાવાર મંજૂરી અપાઇ છે. આ પ્રોજેક્ટે યુનિવર્સિટીને યુનિવર્સિટીને અધધધ 55 વર્ષ બાદ ગૌરવ અપાવ્યું છે.


યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર વિભાગના અધ્યાપક ડો.ઇશ્વર બી. પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ. તેજલ રાવલે ‘થર્મોઇલેક્ટ્રીક હિટ એન્જિન’ વિષય પર સંશોધનકાર્ય કરી 16 મે-2018ના રોજ પેટન્ટ રજીસ્ટર્ડ કરાવી હતી. ડો.તેજલ રાવલ યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થિની છે અને હાલ કેનેડાની યુનિવર્સિટી ઓફ પ્રિન્સ એડવર્ડ ઇગ્લેન્ડમાં ફિઝીક્સના આસિસટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. 2018માં રજીસ્ટર્ડ થયેલી આ પેટન્ટને માન્ય રાખી સત્તાવાર સર્ટીફિકેટ અપાયું છે.

સંશોધનથી હાલમાં બજારમાં આવી રહેલા ઇલેક્ટ્રીક વાહનોમાં બેટરીની કાર્યક્ષમતા બમણી થઇ શકે છે. તે ઉપરાંત, ઘણી જગ્યાએ આ ડિઝાઇનનો ઉપયોગ કરી શકાય છે. યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન ચાવડા, કુલસચિવ ડૉ.રમેશદાન ગઢવી સહિતના અધ્યાપકો, વિભાગીય વડાએ પેટન્ટને વધાવી ભૌતિક શાસ્ત્ર વિભાગના ડૉ.ઇશ્વર બી. પટેલને પુસ્તક આપી સન્માનિત કર્યા હતા.


  • Follow us on: