• U-20 સમીટના યજમાન તરીકે અમદાવાદની પસંદગી બદલ PMનો આભાર
  • પર્યાવરણ, જળ સુરક્ષા, ક્લાઇમેટ ફાયનાન્સ, શહેરી સુવિધા મુદ્દે આયોજન
  • 35 જેટલા વિદેશના સિટી શેરપા, ડેલીગેટ્સ અર્બન સમીટમાં ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ભારતમાં સૌપ્રથમવાર યોજાઈ રહેલ U-20 અર્બન સમીટના યજમાન બનવા માટે અમદાવાદની પસંદગી કરવા બદલ AMC દ્વારા તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. અમદાવાદમાં તા. 9 અને તા.10 ફેબ્રુઆરીના રોજ યોજાનાર બે દિવસની U-20 સિટી શેરપા ઇન્સેપ્શન બેઠકમાં 35 જેટલા વિદેશના સિટી શેરપા અને પ્રતિનિધિઓ ભાગ લેશે. U-20 અર્બન સમીટની ૬ઠ્ઠી બેઠકમાં પર્યાવરણ સાથે સુસંગત વર્તન, જળ સુરક્ષા, ક્લાઇમેટ ફાયનાન્સ, સ્થાનિક ઓળખ, શહેરી આયોજન અને વહીવટ તથા શહેરી સુવિધાઓનું ડિજીટલાઇઝેશન જેવા મુદ્દાઓને અગ્રતા અપાશે. આ મહત્વના મુદ્દા પર ચર્ચા- વિચારણા કરાયા પછી જુલાઈમાં મેયર સમીટ યોજાશે. ગુરૂવારે પ્લેનેરી સેશનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ સમીટમાં ભાગ લેનાર 35થી વધુ દેશોના 150થી ડેલીગેટસ અમદાવાદ આવી રહ્યા છે.

અગાઉ જાકાર્તા, મિલાન, રિયાધ, ટોકિયો અને બ્યૂઓનસ એરિસમાં 5 બેઠક યોજાઈ હતી. U 20 બેઠકમાં બાર્સેલોના, સાઓ પાઓલો, મિલાન, બ્યુએનોસ એરિસ, ડર્બન, પેરિસ, જ્હોનિસબર્ગ, મેડ્રીડ, ટોકિયો, ઇઝમીર,જાકાર્તા, લોસ એન્જેલસ, મેક્સિકો સિટી, ન્યૂયોર્ક, રિયાધ, ક્વિટો, સાઉથ ઢાકા, પોર્ટ લુઇસ સહિતના શહેરોના પ્રતિનિધિઓ તેમજ ક્લાઇમેટ 40 (C-40) ગ્રુપના વિવિધ દેશના પ્રતિનિધિઓ પણ સામેલ થશે.

મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, U 20ના આયોજન માટે અમદાવાદની પસંદગી કરવા બદલ વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારનો આભાર માને છે અને અમદાવાદ માટે આ ગૌરવની વાત છે. તમામ વિદેશી ડેલીગેટ્સ સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ, અટલ બ્રિજ સહિતના હેરિટેજ સહિત જાણીતા સ્થળોની મુલાકાત લેશે અને તેમના માટે રિવર ફ્રન્ટ અને કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે ગાલા ડિનર યોજાશે. મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, પર્યાવરણની જાળવણી સાથે શહેરી વિકાસ અંગેના પ્રશ્નો વિશે ચર્ચા કરીને પરિણામલક્ષી પગલાં લેવાની નેમ સાથે G -20 અને U- 20 રચના કરાઈ છે. આ સમીટમાં ચર્ચાને અંતે જુલાઈમાં યોજનાર G- 20 સમિટ રજૂ કરવા માટેનો ડોક્યુમેન્ટ તૈયાર કરીને વડાપ્રધાન મોદીને સુપરત કરાશે.


  • Follow us on: