- ગઢડા મુકામે સ્વામિનારાયણ મંદિરે હરીભકતોનું હલ્લાબોલ
- સાધુઓની કામલીલાના વિડિયો બાબતે રોષની લાગણી
- પાંખડી સાધુઓ સામે બોર્ડ દ્વારા પગલા લેવા માંગણી
ગઢડા મુકામે આવેલા જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે અમદાવાદ, ભાવનગર, સુરત, બોટાદ, ગઢડા વગેરે ગામોમાંથી અસંખ્ય હરીભક્તો આવી પહોંચ્યા હતા. તેમજ મંદિરના ચોગાનમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કરી પાંખડી સાધુઓની કામલીલાથી સંપ્રદાયના ધજાગરા થતા હોય પગલા ભરવા માંગણી કરવામાં આવી હતી.
ગઢડા મુકામે સ્વામિનારાયણ મંદિરે હરીભકતોએ નોંધાવ્યો વિરોધ
આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર વડોદરા, રાજકોટ સહિત અને સ્વામિનારાયણ મંદિરના સાધુઓનો પાંખડી ચહેરો જાહેર કરતા કામલીલાના વિડીયો તેમજ શોષિત પીડિત યુવતી દ્વારા કરવામાં આવેલી પોલીસ ફરીયાદની ઘટનાઓના કારણે સંપ્રદાયની ગરિમાને લાંછન લાગે તેવી સ્થિતિ વચ્ચે હરીભક્તો પીડા અનુભવી રહ્યા છે.
લંપટ સાધુઓની કરો હકાલ પટ્ટી: હરીભકતો
આ દરમિયાન વર્ષોથી ગઢડા મંદિરમા રહેતા ભગવદ પ્રસાદ નામના એક સાધુનો પાંચ વર્ષ જૂનો બહુચર્ચિત હોમોસેક્સ્યુઅલ પ્રકારનો જૂનો વીડિયો પણ વાઈરલ થતા ગઢડા મંદિરના ટ્રસ્ટી બોર્ડ દ્વારા આવા સાધુઓ સામે પગલા ભરવા માટે હરીભક્તોએ ટ્રસ્ટીઓને મળીને લેખિત આવેદન રજૂઆત કરી હતી. આ માંગણી અને બહાર આવેલી હકીકતોને બોર્ડના ટ્રસ્ટીઓએ શરમજનક અને સંપ્રદાય માટે નુકશાન કારક હોવાનુ જણાવી બોર્ડની મિટિંગમાં ચર્ચા કરી પગલા લેવા ખાતરી આપી હતી.
સંપ્રદાયનો સડો દૂર કરવા માટે સક્ષમ લોકોનુ મૌન જવાબદાર !
સનાતન હિન્દુ ધર્મમા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સાથે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાન પ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમની જીવન પધ્ધતિ સામે કાળક્રમે એક માત્ર સંન્યાસ પ્રથા અને અધ્યાત્મ જીવન અંગિકાર કરીને બ્રહ્મમય જીવન જીવતા સાક્ષાત્કાર સુધીની વૈજ્ઞાનિક અને ઉચ્ચ કક્ષાની સ્વૈચ્છિક ભક્તિ વૈરાગ્યની જીવન પધ્ધતિ પણ અસ્તિત્વમાં આવી. પરંતુ વર્તમાન સમયમા સ્વામિનારાયણ સંપ્રદાય સહિત અને પંથોમા કહેવાતા સાધુ સંતો ની કામલીલા અને પાખંડ ના કિસ્સાઓ છાશવારે બહાર આવી રહી છે.
સમજણ વગરની દિક્ષા અને શિરા માટે શ્રાવક બનવાની પધ્ધતિ દૂર કરવી જરૂરી
આ સંદર્ભે સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદી તાબાના વડોદરા, રાજકોટ, ગઢડા વિગેરે મંદિરના સાધુઓના સેકસ કાંડ, મહિલા શોષણ, હોમો સેકસ સંબંધો જેવી બાબતે પોલીસ ફરીયાદો અને વિકૃત વિડિયો ની વિગતો બહાર આવતા સંપ્રદાયમા હરીભક્તો હેબત ખાઈને રોષે ભરાયા છે. ત્યારે સમગ્ર પ્રશ્નોના મૂળમા સમજણ વગરનુ સાધુ જીવન અને શિરા માટે શ્રાવક બનવા જેવી બાબતો કારણભૂત માની શકાય. ઉપરાંત વડતાલ ગાદીના પ્રશ્નો અને સમસ્યાના નિરાકરણ તથા સંપ્રદાયના શુધ્ધિકરણ માટે એક માત્ર જે તે મંદિરના ચૂંટાયેલા બોર્ડ ઉપરાંત સાધુને દિક્ષા અપવા અને રદ કરવા માટે એકમાત્ર ગાદીના આચાર્ય નિર્ણય લેવા માટે સર્વોપરી સક્ષમ હોવા છતા આજ દિવસ સુધી અનેક ઘટનાઓ છતા કોઈ નકકર પગલા લેવામા નહી આવતા અવાર નવાર સંપ્રદાયને લાંછન લગાડતા કિસ્સાઓ અટકાવાનુ નામ નથી લેતા. ત્યારે સંપ્રદાયનાં હરિભકતો દ્વારા આક્રમક રીતે સંપ્રદાયના શુધ્ધિકરણ માટે શરૂ કરેલી ઝુંબેશ કેટલી સફળ બને તે જોવુ રહ્યુ.









