કલોલના દંતાલી પાસે ભરવાડ કોમના બે જૂથ વચ્ચે મારામારી થતાં ફાયરિંગ કરવામાં આવ્યું. ઘર પાસે થતી અવરજવર બાબતે તકરાર થતા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતાં એક વ્યક્તિનું મોત થયું જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
એક વ્યક્તિ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત
કલોલમાં નજીવી બાબતે એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થતાં બંને પક્ષ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં અંદરો દર 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું. જ્યારે ચાર વ્યક્તિને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગાંધીનગર પોલીસ દ્વારા હત્યા અને મારામારીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ઘટના સ્થળે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના કલોલમાં દંતાલી પાસે એક પૂર્વ આર્મી જવાન રમેશ ભરવાડે ફાયરિંગ કરી હોવાની ઘટના સામે આવી છે. ઘર પાસે થતી અવર-જવરના મુદ્દે તકરાર થઈ હતી. આ તકરાર વધતાં આર્મી જવાને ફાયરિંગ કર્યા હોવાની ઘટના સામે આવી છે.
ત્રણ લોકો ઈજાગ્રસ્ત, આરોપીની ધરપકડ
તકરાર બાદ પૂર્વ આર્મી જવાન રમેશ ભરવાડે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં રિંકુ ભરવાડ નામના કિશોરનું મોત થયું છે. જ્યારે વિપુલ, વિજય અને ગોપાલ ભરવાડ ઈજાગ્રસ્ત થયા છે. જેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, પોલીસે આરોપી રમેશ ભરવાડની ધરપકડ કરી લીધી છે.
પોલીસે તપાસ હાથ ધરી
સમગ્ર મુદ્દે પોલીસને જાણ થતાં ઈજાગ્રસ્તની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ પોલીસે પૂર્વ આર્મી જવાનની સામે ગુનો નોંધી હથિયાર સાથે ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.