કલોલમાં જમાઈની હત્યા કરનાર બિલ્ડર રૂપાજી પ્રજાપતિ પોલીસના સકંજામાં છે. પોલીસે બિલ્ડર રૂપાજી હીરાજી પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી. રૂપાજી સાથે તેનો સાગરીત દીપક ઉર્ફે પીન્ટુ દશરથભાઈ ભાટી ઝડપાયો. બિલ્ડર રૂપાજી પ્રજાપતિએ દીકરીના મોત બાબતે મળતીયાઓ સાથે મળીને જમાઈની હત્યા કરી હતી. જમાઈ અને તેના ભાઈને દગાથી ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા.
જમાઈને ફાર્મ હાઉસ બોલાવી માર માર્યો હતો
ફાર્મ હાઉસમાં હાજર બિલ્ડરના મળતીયાઓ અને બિલ્ડરે ભેગા મળીને બંને ભાઈઓને ઢોર માર માર્યો હતો. લાકડીઓ અને ધોકા વડે સતત બે કલાક સુધી માર મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ જમાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જમાઈના ભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અગાઉ આ બનાવમાં બે આરોપીઓને દબોચી લીધા હતા. મુખ્ય સૂત્રધાર બિલ્ડર હત્યાના ગુનામાં જેલના સળિયા પાછળ છે. કલોલમાં રહેતા બિલ્ડર રૂપાજી હીરાજી પ્રજાપતિએ દીકરીના મોત બાબતે શંકા રાખી તેના જમાઈ અને તેના ભાઈને દગાથી ફાર્મ હાઉસમાં બોલાવ્યા હતા. ત્યારબાદ બંને ભાઈઓ ઉપર બિલ્ડર અને તેના મળતીયાઓએ ભેગા મળી બંને ભાઈઓને લાકડીઓ અને ધોકા વડે જીવલેણ માર માર્યો હતો જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બિલ્ડરના જમાઈ ભાવેશ પ્રજાપતિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે તેના ભાઈ સતીશને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી બે આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ હત્યાના મુખ્ય સૂત્રધાર એવા બિલ્ડર રૂપાજી હીરાજી પ્રજાપતિ અને તેના સાગરીત દીપક ઉર્ફે પીન્ટુ દશરથભાઈ ભાટીની ધરપકડ કરી બંનેને જેલના સળિયા પાછળ ધકેલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મૃતકના પિતાએ આપવીતી જણાવી
અમદાવાદ માધવપુરા રહેતા મૃતકના પિતા મોહનભાઈ ગણાજી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમને ત્રણેય બાપ દીકરાને અહીં કલોલ રૂપાજીની સાઈટ ઉપર બોલાવ્યા હતા. અમે એમની ઓફિસે જઈને બેઠા હતા. ત્યારે તેમણે મને કહ્યું કે તમે અહીં રોકાવ હું જઉં છું એમને લઈને તે ગયો. હું ત્યાં જ બેઠો રહ્યો. ત્યાર બાદ થોડીવાર પછી મને અચાનક ફોન આવ્યો કે તમારા બાબાનો અકસ્માત થયો છે. મારા દીકરાનું નામ પ્રજાપતિ સતિષ અને નાના દીકરાનું નામ ભાવેશ પ્રજાપતિ છે. નાનો દીકરો મરી ગયો છે. મોટો દીકરો હાલ ગંભીર છે. તેને અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લગભગ 4 થી 6ની વચ્ચે આ ઘટના બની હતી. મને તો તેમની ઓફિસે બેસવાનું કહ્યું હતું તેથી હું તો ત્યાં બેઠો હતો. મને કોઈના દ્વારા ખબર પડી ત્યાર બાદ હું અહીં પહોંચ્યો છું.









