- વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના રોડ પર વિવિધ થીમની લાઈટીંગ
- ગાંધીનગરનો ‘સેન્ટ્રલ વિસ્ટા’ રાત્રે બન્યો સેલ્ફી પોઈન્ટ
- દાંડી કુટીરને લાઈટીંગ-લેઝર દ્વારા અદભૂત રીતે સજાવવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 10 જાન્યુઆરી 2024ના રોજ 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સૌને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે. મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની રાજધાની ગાંધીનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે.

આ વચ્ચે ગાંધીનગરના હાર્દસમા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્ટાને રાત્રે વાઈબ્રન્ટ-તિરંગા સહિતની વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવ્યું છે જેના પરિણામે સેન્ટ્રલ વિસ્ટા નગરજનો માટે સેલ્ફી પોઈન્ટ બન્યો છે. આ ‘સેન્ટ્રલ વિસ્ટા’નો રાત્રિનો અદભૂત નજરો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે ગુજરાત વિધાનસભાને ગોલ્ડન રોશનીથી શણગારવામાં આવ્યું છે. જ્યારે સેન્ટ્રલ વિસ્ટામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, વિવિધ ફૂલ છોડ-વૃક્ષો પર અલગ અલગ કલરની સિરીઝ, કલરફૂલ સ્કલ્પચર, વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ને પ્રદર્શિત કરતા વિવિધ આકર્ષિત લોગો તેમજ દાંડી કુટીરને લાઈટીંગ-લેઝર દ્વારા અદભૂત રીતે સજાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત સ્વર્ણિમ સંકુલ-1 અને 2, ઉદ્યોગ ભવન, કલેકટર કચેરી, બેંક ઓફ બરોડા ભવન, સાયન્સ કોલેજ સહિતની સરકારી ઇમારતોને તિરંગા આધારિત વિવિધ રોશનીથી શણગારવામાં આવી છે. તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ 2024 ડિજિટલ ઈન્ડિયા પહેલ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન, ઈન્ડિયા ટેક, ઉદ્યોગ 4.0, ઈન્ડિયા સ્ટેક સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, જેવા સર્વિસ સેક્ટર પર ફોકસ કરવામાં આવશે.









