આઇસીસી ચેમ્પિયન ટ્રોફિની આજે યોજાનારી ફાઇનલ મેચની અસર ગાંધીનગરમાં જોવા મળી હતી. આજે ગાંધીનગરમાં બપોર બાદ જાણે સ્વયંભુ કર્ફ્યુ જેવો માહોલ હોય તેમ મોડીસાંજ સુધી રસ્તાઓ સુમસામ રહ્યા હતા.


રવિવાર હોવા છતા બાગ બગિચાઓ પણ સુમસામ ભાસતા હતા. લોકો ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે રમાયેલી ક્રિકેટની ફાઇનલ મેચ જોવા માટે ટીવીસેટ સામે ગોઠવાઇ ગયા હતા. ભારત આ ટુર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યુ નથી. દુબઇ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં કોણ ચેમ્પિયન બનશે તેની અટકળો બે દિવસથી શહેરીજનોમાં ચાલી રહી છે. ચૌરેચોટે માત્ર ક્રિકેટની ફાઇનલ મેચની જ ચર્ચાઓ થઇ રહી છે. આજે એ દિવસ આવી ગયો હતો. સવારે શહેરમાં થોડીઘણી ચહલપહલ જોવા મળી હતી. પરંતુ અઢી વાગે મેચ શરૂ થવાના એક કલાક પુર્વે ગાંધીનગરની સડકો સુમસામ બની ગઇ હતી. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં પણ રસ્તાઓ પર ચકલુ પણ ફરકે નહી તેવો માહોલ હતો. ગાંધીનગરમાં જાણે ક્રિકેટ મેચ દરમિયાન સ્વયંભુ કર્ફ્યુ લાગ્યો હોય તેમ લોકો મેચ જોવા માટે પોતાના ઘરોમાં અને ઓફિસોમાં ભરાઇ ગયા હતા. સામાન્ય રીતે ગાંધીનગરમાં રવિવારના દિવસે બાગ બગિચા અને ખાણીપીણી બજારમાં ચહલપહલ જોવા મળતી હોય છે. પરંતુ જ્યાં સુધી મેચ પુર્ણ ન થઇ ત્યાં સુધી આ સ્થળો પણ સુમસામ જોવા મળ્યા હતા.


  • Follow us on: