• જળજીવન મિશન હેઠળ 26.02 લાખ ઘરોને નળ કનેક્શનો અપાયા

  • વાસ્મોના સરવે રિપોર્ટ બાદ ખર્ચના અંદાજો તૈયાર થશે
  • નલ સે જલની સ્કીમમાં ખર્ચનો હિસ્સો રાજ્ય અને કેન્દ્ર વચ્ચે 50-50 ટકા રહે છે

ગુજરાતમાં જળજીવન મિશન હેઠળ 'હર ઘર નલ'ની સ્કીમ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં 10થી 19 ઘરોના ક્લસ્ટરને હવે આવરી લેવાનું નક્કી થયું છે. 'વાસ્મો' દ્વારા આ સંદર્ભે સરવે થઈ રહ્યો છે. અલબત્ત, સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સ્કીમમાં 73,199થી 1 લાખ જેટલા ઘરો આવરી લેવાશે.

સરવે રિપોર્ટ બાદ ખર્ચના અંદાજો નક્કી થશે. સ્વાભાવિક રીતે આમાં જંગી ખર્ચ થશે, કેમ કે 10થી 19 ઘરોનું ઝૂમખું એક ટેકરી ઉપર હોય તો બીજા એટલાં જ ઘરોનું ક્લસ્ટર બીજી ટેકરી ઉપર હોય તેવું બનવાજોગ છે. નલ સે જલની સ્કીમમાં ખર્ચનો હિસ્સો રાજ્ય અને કેન્દ્ર વચ્ચે 50-50 ટકા રહે છે. જળજીવન મિશન તથા ઘરે ઘરે નળ જોડાણની દેશવ્યાપી સ્કીમ ઓગસ્ટ-2019માં જાહેર થઈ એ પહેલાં ગુજરાતને નિસબત છે ત્યાં સુધી રાજ્યમાં 65,16,258 ઘરોને નળ જોડાણ દ્વારા આવરી લેવાયા હતા. કેન્દ્રની સ્કીમમાં 20 કે તેથી વધુ ઘરોના ક્લસ્ટરને નળ કનેક્શન આપવાનું હતું. એટલે આ સ્કીમમાં 26,02,191 ઘરોને નળજોડાણ આપવાનું હતું, તે કામગીરી રાજ્ય સરકારે પૂર્ણ કરી દીધી છે અને હવે તબક્કાવાર 10થી 19 ઘરોના ક્લસ્ટરને ક્નેકશન આપવાની દિશામાં કામગીરી શરૂ થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.


  • Follow us on: