ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ બહાર આવ્યું છે. સરકારી નોકરીની ભરતીમાં રૂપિયા આપીને નોકરી આપવાની ઠગાઈ કરવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે. સરકારી ભરતીમાં વધુ એક ગેરરીતિ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર નિગમમાં વિવિધ ભરતીઓમાં આ કૌભાંડ થયું છે. જેમાં નકલી નિમંણૂક પત્ર, એપોઇન્ટમેન્ટ લેટર, આઈકાર્ડ આપવામાં આવે છે.
રાજ્યમાં અનેકવાર સરકારી ભરતીમાં કૌભાંડ ખૂલ્યા છે, ત્યારે સરકારી ભરતીમાં નોકરી અપાવવાની લાલચમાં ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા અનેક આરોપ લગાવવામાં આવ્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે GSRTC માં નોકરી અપાવવાના નામે ઠગાઈ કરાઈ છે. પૈસા લઈને બોગસ એપોઇનમેન્ટ પણ આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 97,200 નોકરી માટે ઉમેદવારે એક વ્યક્તિને આપ્યા હતા. નિલેશ મકવાણા અને આશિષ ખ્રિસ્તીયન નામના વ્યક્તિ પૈસા લીધા હોવાના પુરાવા પણ આપ્યા છે. ખોખરા પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાવા અરજી આપ્યા બાદ બે મહીના પછી વટવા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવા ગયા હતા. પરંતુ સામાન્ય અરજી લઈને આજદિન સુધી કોઈ જગાએ ગુનો નોંધવામાં આવેલ નથી.
આ ઘટનાને લઈને યુવરાજસિંહ જાડેજાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ભોગ બનનાર ગૌરાંગ ગજ્જર પણ જોડાયો હતો. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વાહન વ્યવહાર નિગમમાં વિવિધ ભરતીઓમાં આ કૌભાંડ થયું છે. જેમાં નકલી નિમંણૂક પત્ર, એપોઇન્ટમેન્ટ લેટર, આઈકાર્ડ આપવામાં આવે છે. લે ભાગુ તત્વો દ્વારા ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે. ઉમેદવારોને જ્યારે જાણ થઈ કે આ બાબતે તેમની સાથે છેતરપિંડી થઈ છે ત્યારે ખોખરા પોલીસ સ્ટેશન અમદાવાદમાં જાણ કરવામાં આવી હતી. આ કેસમાં મુખ્યમંત્રી સુધી જાણ કરવામાં આવી છે. જોકે હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. ગૃહરાજ્યમંત્રી કહે છે કે કોઈપણની ફરિયાદ થવી જોઈએ. જોકે આમાં ભોગ બનનાર 6 મહિનાથી ફરિયાદ કરી રહ્યા છે, પણ ફરિયાદ નોંધાવવા આવતી નથી. મુખ્ય આરોપી બોરસદનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટેલીફોન રેકોર્ડિંગના પુરાવા પણ ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે. ઈમેલના માધ્યમથી એપોઇન્ટમેન્ટ લેટર પણ નકલી મોકલવામાં આવતો હતો. ગૌરાંગ રોહિતભાઈ ગજ્જરના નામનો સિનિયર પ્રાર્થનો લેટર પણ ઇસ્યુ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી પાસે અમારી માંગણી છે કે આ તત્વો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.









