નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી,સોનિયા ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં કોંગ્રેસના ઓવરસીઝ વડા સેમ પિત્રોડાનું પણ નામ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસ મુદ્દે રાજ્યમાં ભાજપે કોંગ્રેસનો વિરોધ કર્યો હતો.રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયું હતું.
ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગર ભાજપ દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ રાહુલ અને સોનિયા ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરતાં કોંગ્રેસનો વિરોધ કર્યો હતો. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય અને શહેર પ્રમુખે ધરણાં યોજ્યા હતાં. ત્યાર બાદ ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું હતું. કોંગ્રેસે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની કાર્યવાહીનો વિરોધ કરતાં ભાજપે આજે કોંગ્રેસનો વિરોધ કર્યો હતો.
ભરૂચમાં પણ ભાજપે જબરદસ્ત વિરોધ દર્શાવ્યો
ગાંધીનગર સહિત ભરૂચમાં પણ ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચમાં કોંગ્રેસની ઓફિસ સામે ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાથમા બેનરો અને પ્લેકાર્ડ સાથે ભાજપના કાર્યકરો રોડ પર ઉતરી ગયા હતાં. આ વિરોધ થતાં પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે ભાજપના કાર્યકરોના હાથમાં રહેલુ રાહુલ ગાંધીનું પૂતળુ જપ્ત કર્યું હતું.









