ગાંધીનગરના એક વેપારીને પોલેન્ડના વિઝા અપાવવાની લાલચ આપીને એક એજન્ટે રૂપિયા 90 હજારનો ચુનો લગાવ્યો છે. આ એજન્ટે પૈસા લીધા બાદ તેની કુડાસણ સ્થિત ઓફિસ બંધ કરીને ફરાર થઇ ગયો હતો. આથી વેપારીએ તેની સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.


સેક્ટર-3 એમાં રહેતા સંદિપ રમેશભાઇ મહેતા શહેરમાં ચાર્લી ફેશન નામની કાપડની દુકાન ધરાવે છે. તેઓને પોલેન્ડ જવુ હોય તેમના મિત્ર અને વિઝાનું કામ કરતા પિયુષ મણીલાલ પરમારનો સંપર્ક સાંધ્યો હતો. પિયુષ પરમાર સેક્ટર-27 એકતા સોસાયટીમાં રહે છે અને કુડાસણમાં પ્રમુખ આર્કેડમાં કિયા કેયા ઓવસિઝ નામની વિઝાની ઓફિસ ધરાવે છે. તેઓ જ્યારે પિયુષ પરમારને મળવા વિઝાની ઓફિસે ગયા ત્યારે ઓફિસ બંધ હતી.

આથી તેઓએ પિયુષનો સંપર્ક સાંધતા બંને કેયા ઓવરસિઝની ઓફિસ નીચે મળ્યા હતા. જ્યાં બંને વચ્ચે પોલેન્ડ જવા મામલે વાતચીત થઇ હતી. આથી પિયુષ પરમારે મિત્ર સંદિપ મહેતાને પોલેન્ડના વિઝાનું કામ 15 દિવસમાં થઇ જશે તેવી બાંહેધરી આપી હતી અને ફાઇલ પ્રોસેસ પેટે 90 હજાર માંગ્યા હતા. જે પૈસા સંદિપ મહેતાએ કટકે કટકે તેઓને ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. 15 દિવસ બાદ સંદિપ મહેતાએ મિત્ર પિયુષનો સંપર્ક સાંધ્યો હતો. જોકે, આ વખતે વિઝાનું કામ થયુ નહતું. તેણે વિઝાનું કામ થઇ જશે તેવા વાયદા કર્યા હતા. સમય જતા વાયદા પ્રમાણે પણ કામ નહી થતા આખરે સંદિપ મહેતાએ કંટાળીને તેની પાસેથી 90 હજાર પરત માંગ્યા હતા. આ પૈસા પરત આપવાના બદલે તેણે પૈસા આપવામાં પણ વાયદા શરૂ રાખ્યા હતા. ત્યારબાદ તેનો સંપર્ક થઇ શક્યો નહતો. આથી સંદિપ મહેતા તેની કુડાસણ સ્થિત વિઝા કન્સલ્ટન્ટની ઓફિસે ગયા હતા. જ્યાં ઓફિસ બંધ હતી. પિયુષ પરમાર નહી મળતા તેઓ તેના ઘરે ગયા હતા. જ્યાં પિતાએ પુત્ર કહ્યામાં નહિ હોવાનું જણાવ્યુ હતું. આથી પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઇ હોવાનું જણાતા સંદિપ મહેતાએ તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.


  • Follow us on: