ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી સીસીસી ગૃપ એ અને ગૃપ બીની ભરતી પ્રક્રિયા સ્થગિત કરી નાખતા ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો.
જેના પગલે આજે ગુજરાતભરમાંથી ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડયા હતા. તેઓએ ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી ખાતે ધામા નાખ્યા હતા અને સ્થગિત થયેલી પરિક્ષા પુનઃ લેવા માટે માંગણી કરી હતી.ઉલ્લેખનીય છેકે, ગત જાન્યુઆરી માસમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીસી ગૃપ એ અને ગૃપ બીની ભરતી બહાર પાડવામાં આવી હતી. આ ભરતી અનન્વયે પ્રાથમિક કસોટી સીબીઆરટી પધ્ધતિથી યોજવામાં આવી હતી. પ્રાથમિક કસોટીનું પરિણામ 19 સપ્ટેમ્બર 2024ના રોજ જાહેર કરવામાં આવ્યુ હતું. પરંતુ પ્રાથમિક પરિક્ષાની આન્સર કી મામલે હાઇકોર્ટમાં પિટીશન થઇ હતી. ત્યારબાદ હાઇકોર્ટના ચુકાદાના પરિણામે રીઝલ્ટ રિવાઇઝ કરવામાં આવ્યુ હતું.
ત્યારબાદ 25 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી ગૃપ એ માટેની લેખિત મુખ્ય પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જ્યારે ગૃપ-બી માટેની પરિક્ષા ટુંક સમયમાં યોજવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ હતું. આ પ્રક્રિયા શરૂ હતી ત્યારે એક વખત પરિણામમાં સુધારો થયા બાદ નિષ્ફળ થયેલા અમુક ઉમેદવારોએ હાઇકોર્ટમાં ફરી વખત આન્સર કી મામલે પિટીશન દાખલ કરી હતી. આ પિટીશન દાખલ થયા બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ ભરતી પ્રક્રિયાને જ સ્થગિત કરી દીધી હતી. જેના કારણે પરિક્ષાની ખંતપુર્વક તૈયારી કરનાર હજારો ઉમેદવારોનું સરકારી નોકરીનું સ્વપ્ન અધ્ધરતાલ થઇ ગયુ છે.
સરકાર દ્વારા સ્થગિત કરાયેલી આ ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ કરવા માટે આજે રાજ્યભરમાંથી મેટી સંખ્યામાં ઉમેદવારોએ ગૌણસેવા પસંદગી મંડળની કચેરીએ ધામા નાખ્યા હતા. તેઓ કચેરીના પરિસરમાં જ બેસી ગયા હતા અને સુત્રોચ્ચાર કરીને મંડળના સચિવને આવેદનપત્ર આપ્યુ હતું. ઉમેદવારોએ માંગ કરી હતીકે, ભરતી પ્રક્રિયા પર ન્યાયાલય દ્વારા સ્ટે મુકવામાં આવ્યો નથી. જેવી રીતે ફોરેસ્ટની ભરતી પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી તેવી રીતે આ ભરતી પ્રક્રિયા પણ પુર્ણ કરવામાં આવે તેવી ઉમેદવારોએ માંગ કરી છે.