ગાંધીનગરના લીંબડીયા પાસે કેનાલના બ્રીજ નજીક પુરઝડપે જઇ રહેલી એસયુવી કારના ચાલકે એક્ટીવા પર જઇ રહેલા બે યુવકોને ઉડાડયા હતા. કારે જોરદાર ટક્કર મારતા અકસ્માતમાં બંને યુવકોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ કાર પણ રોડ પર પલટી મારીને ઊંધી વળી ગઇ હતી. બંને આશાસ્પદ યુવક હિંમતનગર ખાતે ખમણહાઉસની નવી દુકાનના ઉદઘાટન પ્રસંગે હાજરી આપીને પરત અમદાવાદ જઇ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
આ મામલે મળતી વિગતો મુજબ ઉમેશકુમાર સોમજી મીણા (ઉ.વ. 32.રહે. ખોડીયારનગર અમદાવાદ મુળ રહે. સામી તેડ ગામ, ખેરવાડા રાજસ્થાન) તથા કિશોરભાઇ નાનજીભાઇ ધાંધલીયા (ઉ.વ. 45. રહે.અંબિકાનગર સોસાયટી , ખોડીયારનગર અમદાવાદ , મુળ રહે. વાવડીગામ જી. ભાવનગર) બંને જણા અમદાવાદમાં આવેલા એક ખમણહાઉસ દુકાનમાં નોકરી કરતા હતા. ગઇ કાલે ગુરુવારે ખમણહાઉસના શેઠે હિંમતનગરમાં એક નવી દુકાન ખોલી હોવાથી તેનું ઉદઘાટન હતું.આ બંને યુવાનો ઉદઘાટન પ્રસંગમાં ભાગ લેવા માટે શેઠના મિત્રનું એક્ટીવા લઇને હિંમતનગર ગયા હતા. હિંમતનગર હાજરી આપીને બંને મિત્રો એક્ટીવા પર સવાર થઇને પરત અમદાવાદ આવી રહ્યા હતા. આ વખતે ચિલોડા નરોડા નેશનલ હાઇવે પર આવેલા લીંબડીયા નર્મદા કેનાલના બ્રીજ પાસે સાંજના સમયે એક કારચાલકે પુરઝ.ડપે ચલાવીને એક્ટીવાને ટક્કર મારી હતી. બંને યુવકો હવામાં ફંગાળાઇને રોડ પર પટકાયા હતા.










