રાજ્યમાં પંચાયત હસ્તકના વર્ગ-3ના આરોગ્ય કર્મચારીઓ લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યાં છે. સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરેલાં હજારો આરોગ્ય કર્મચારી આજે ગાંધીનગર પહોંચ્યા હતા. જેમાં સચિવાયલ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચે તે પહેલાં પોલીસે તેઓની અટકાયત કરી હતી. આંદોલનને લઈને શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું. જેમાં દિવસ દરમિયાન શહેરમાં ઠેર-ઠેર અટકાયતોનો દૌર ચાલુ જ રહ્યો હતો.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના નેજા હેઠળ પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર છે. સોમવારથી ચાલી રહેલી હડતાળની કોઈ અસર ન પડતાં સચિવાલય પહોંચીને મુખ્યમંત્રીને સીધી રજૂઆત કરવા માટેનું એલાન કરાયું હતું. સંઘના એલાનને પગલે રાજ્યભરમાંથી અંદાજે 10 હજાર જેટલા કર્મચારીઓ ગાંધીનગર ઉમટી પડયાં હતા. જોકે આંદોલનને ડામી દેવા માટે સવારથી જ શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું. જેમાં શહેરના મુખ્ય એન્ટ્રી પોઈન્ટથી લઈને સચિવાલયની ફરતે આવેલા માર્ગો ઉપર બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સચિવાલયની ચારેબાજુથી કિલ્લેબંધી કરીને આવતા દરેક વાહન ચાલકોના આઈકાર્ડ ચેક કરીને જ આગળ જવા દેવાયા હતા. ચેકિંગમાં જ્યાં પણ આરોગ્ય કર્મી દેખાતા ત્યાં તેઓની અટકાયત કરીને બસો મારફતે એસપી કચેરીએ લઈ જવાયા હતા. એક પછી એક અટકાયતોને પગલે એસપી ઓફીસ જગ્યા ખૂટી પડતાં પછીથી કર્મચારીઓને મગોડી ખાતે લઈ જવાયા હતા. ત્યારે સંગઠનના દાવા મુજબ રાજ્યભરમાંથી 10 હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા, જેમાંથી અંદાજે 4 હજારથી વધુની પોલીસે દિવસ દરમિયાન અટકાયત કરી હોવાનો દાવો છે. જોકે પોલીસ ચોપડે સાંજ સુધીમાં 1100 જેટલા કર્મચારીઓની અટકાયત થઈ હોવાની વિગતો છે. આ તરફ સરકાર દ્વારા એસ્મા લાગુ કરતાં કર્મચારીઓને હાજર થવા આદેશ કરેલો છે.










