સરકારમાં હવે મોટાભાગના સ્ટાફને ઍર કન્ડિશનની સગવડ મળશે. ગુજરાત વહીવટી સુધારણા પંચ-જીએઆરસીની ભલામણને રાજ્ય સરકારે સ્વીકારી લઈ આ નિર્ણય કર્યો છે.
અત્યારે સરકારમાં તા. 28-4-1989ના જૂના ઠરાવ મુજબ પે મેટ્રિક્સના લેવલ 13થી વધુ પગાર મેળવતા અધિક સચિવ અને તેનાથી ઉપરની કક્ષાના અધિકારીઓ જ સત્તાવાર એસીની સગવડ ભોગવવા પાત્રતા ધરાવે છે. હવે સેક્શન અધિકારી હેઠળ હોલમાં બેસીને ફરજ બજાવતાં કર્મચારીઓને તથા ચાર-પાંચથી વધુ કર્મચારીઓ એક સાથે બેસીને કામ કરતાં હોય ત્યાં એસીની સુવિધા અપાશે.
જૂના ઠરાવને સ્થાને હવે નવો પરિપત્ર બહાર પડશે, બાદમાં તબક્કાવાર તેનું અમલીકરણ થશે.
મોટાભાગના સરકારી કર્મચારીઓને એસીની ઠંડક આપવા માટે સચિવાલય સહિત તમામ જિલ્લા કચેરીઓના ધાબે મોટાપાયે સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે, જેથી વીજળીનું બિલ નહીંવત્ થઈ જશે. મોટાભાગે આવતા 6 મહિનામાં સોલાર સિસ્ટમથી બાકી રહેલી સરકારી કચેરીઓ ઉપર રૂફ ટોપ સોલાર સિસ્ટમ લાગી જશે.
જીએઆરસીએ હમણાં તેનો પ્રથમ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો છે, જેમાં પાંચ પૈકીની આ એક ભલામણ છે. જીએઆરસીના એક સભ્ય એવા સિનિયર આઇએએસ કહે છે કે, મોટાપાયે સોલાર સિસ્ટમ ગોઠવવા માટે સરકારને વન ટાઇમ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે એટલું જ, બાકી રિકરિંગ ખર્ચ કરવો નહીં પડે, અધૂરામાં પૂરું, એસીની સગવડ આપવાથી કર્મચારીઓની કાર્યક્ષમતા પણ વધી જશે.
AC હવે લકઝરી નહીં પણ જરૂરિયાત : GARC
GARCએ નોંધ્યું છે કે, બની ગઈ છે. 1989ના વર્ષમાં એર કન્ડિશનિંગને ઉચ્ચ કક્ષાની સુવિધા માનવામાં આવતી હતી, જે ગ્લોબલ વાર્મિંગને કારણે હવે મૂળભૂત જરૂરિયાત બની ગઈ છે. રાજ્યમાં છેલ્લા 33 વર્ષોમાં એટલે કે 1986થી 2019 સુધી સરેરાશ તાપમાનમાં 2થી 9 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. આ તાપમાન હજી 21મી સદીના અંત સુધી દોઢથી પાંચ ડિગ્રી વધી શકે છે. અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં ઉનાળામાં ઘણીવાર તાપમાન 45 ડિગ્રીથી ઊંચુ જાય છે, જે પરિસ્થિતિને અત્યંત પડકારજનક બનાવે છે. આની સામે સોલાર સિસ્ટમનો ઉપયોગ પર્યાવરણને ઇચ્છિત તાપમાનમાં ફેરવી અનુકૂળ અને સસ્ટેનેબલ બનાવી શકે છે. જો સોલાર સિસ્ટમ 2026 સુધીમાં અપનાવવામાં આવે તો એર કન્ડિશનિંગની સુવિધા સાથે સરકારી કચેરીઓનું વીજળી બિલ શૂન્ય થઈ જશે અને એ રીતે ઊર્જા બચત સાથે ખર્ચ બચત પણ થશે.'