ગાંધીનગરમાં દહેગામમાં સવારે બે કલામાં અઢી ઈંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.દહેગામ તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે,ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને હાલાકી પડી રહી છે,સાથે સાથે સવારના સમયે શાળાએ જતા વિધાર્થીઓને પણ તકલીફ પડી હતી.
નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
દહેગામ પંથકમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.આ પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી છે કોઈ એક દિવસની નથી.સ્થાનિકો તેમજ વેપારીઓનો આક્ષેપ છે કે,દર ચોમાસામાં આ રીતે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,જેના કારણે તકલીફ પડી રહી છે,ઘણી વાર ભારે વરસાદ પડે તો દુકાનોમાં પણ પાણી ભરાઈ જાય છે.જેના કારણે દુકાનમાં રહેલો માલસામન પલળી જાય છે.પાણી ભરાવાને લઈ ઓફીસ જવાના સમયે વાહનચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

દુકાનો સુધી પહોંચ્યા વરસાદી પાણી
સામાન્ય વરસાદમાં પાણી દુકાનમાં ઘુસી ગયા છે,વેપારીઓનો આક્ષેપ છે કે 10 વર્ષથી આવી જ સ્થિતિ છે અને નગરપાલિકા પણ આ બાબતે કોઈ વાત ધ્યાને લેતી નથી,વેપારીઓનો આક્ષેપ એ પણ છે કે આ સૌથી ઉંચો વિસ્તાર હતો અને અહીંયા પાણી ભરાવાની સમસ્યા સર્જાતી ન હતી,પરંતુ હાઈવે બનતાની સાથે વિસ્તાર નીચે આવ્યો અને તેના કારણે હવે દુકાનોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.નગરપાલિકાને આ બાબતે રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી.
રાજ્યમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા નવકાસ્ટ બુલેટીન જાહેર કરાયું છે. તેમાં 8થી 10 વાગ્યા સુધી વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ગાજવીજ સાથે સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી સાથે કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકાઝ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દિવમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે.









