ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ વિદાયની ઘડીઓ ગણી રહ્યુ છે. સને 1994થી વર્ષ 2023 એમ બે દાયકાની સાપેક્ષમાં 22ટકા વધુ અર્થાત 122.21 ટકા વરસાદ થયાનું ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- GSDMAએ નોંધ્યુ છે.


આવો સવાયો વરસાદ છતાંયે 'નર્મદા યોજના' પછી રાજ્યની સૌથી મોટો સ્ત્રોવ ક્ષેત્ર ધરાવતી સિંચાઈ યોજનાના ધરોઈ ડેમમાં માંડ 71 ટકા જ પાણી આવ્યું છે ! જે ચિંતાજનક છે. માત્ર ધરોઈ જ નહીં પરંતુ, ભાવનગરના ક્ષેત્રુજી બંધમાં 67 ટકા પાણી ભરાયુ છે. આ વર્ષે 17 મોટી યોજના પૈકી માત્ર 10 ડેમમાં જ જળસપાટી હાઈ લેવલ રહી છે. તેની પાછળ ગ્લોબલ વોર્મિંગ, એવા જ કારણોસર વરસાદની બદલાયેલી પેટર્ન કારણભૂત હોવાનું નિષ્ણાતોએ નોંધ્યુ છે.

આ ચોમાસે સૌથી વધુ વરસાદ કચ્છમાં નોંધાયો છે તે જળ વ્યવસ્થાપન, કૃષિ અને સ્થાનિક અર્થતંત્ર માટે રાહતરૂપ છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ છે. તેમાં પણ બનાસકાંઠામાં 91.31 ટકા જ વરસાદ છે, રાજસ્થાનનો સ્ત્રાવ ક્ષેત્ર ધરાવતા સીપુ ડેમમાં તો માંડ 12 ટકા નવુ પાણી આવ્યુ છે. નજીકના દાંતિવાડામાં માંડ 43 ટકા જ જળસ્તર રહ્યુ છે ! આ બંને ડેમ ગુજરાતની 17 મોટી યોજના પૈકીના છે. તદ્ઉપરાંત અરવલ્લીના હાથમતીમાં પણ 65 ટકા જ પાણી ભરાયુ છે. છેલ્લા છ વર્ષથી જ્યાં સૌથી વધુ ડેમ છે તે ઉત્તર અને મધ્ય ગુજરાતની નદીઓના સ્ત્રાવ ક્ષેત્રોમાં વરસાદનું જોર ઘટી રહ્યુ છે. આ કારણોસર પંચમહાલ અને ખેડા એમ બે જિલ્લામાં અનુક્રમે 62 ટકા અને 89 ટકા જળસંગ્રહ નોંધાયો છે. સરકારે જાહેર કરેલા ડેટા મુજબ રાજ્યમાં સરદાર સરોવર સિવાય નાના- મોટા મળી કુલ 206 પૈકી 44 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી ભરાયું છે. તેમાંય જૂનાગઢના ઓઝત- વિયરમાં 7 ટકા, ભાવનગરના લાખણકામાં 4 ટકા પાણી છે. જામકલ્યાણપુરનો સાની ડેમ તો હજી પણ સાવ ખાલી જ પડયો છે !


  • Follow us on: