• વાદળછાયા વાતાવરણથી સોલાર એકમોનું ઉત્પાદન માંડ 600MW

  • જો કે પવનના જોરથી વિન્ડ ઊર્જાનું 4,200 મેગાવોટ ઉત્પાદન થયું
  • રાજ્યમાં 11 હજાર મેગાવોટથી વધુ ક્ષમતા સોલાર વીજએકમોની છે

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે વીજળીની માગમાં ખાસ્સો ઘટાડો થયો છે. ઉનાળામાં ગરમીની પરાકાષ્ઠાએ વીજમાગ જે એક સમયે 25 હજાર મેગાવોટ આસપાસ રહેતી હતી, તે હવે ઘટીને આશરે 17 હજાર મેગાવોટ છેલ્લા એક અઠવાડિયાથી રહે છે. ગુરુવારે રાજ્યમાં વીજળીના માગ 17,340 મેગાવોટ જેટલી રહી હતી.

વાદળછાયા વાતાવરણને કારણે સોલાર એકમોનું ઉત્પાદન ખૂબ ઘટી ગયું છે, તો એ સાથે રાજ્ય સરકારની કંપની જીસેક હેઠળના વીજમથકોનું ઉત્પાદન પણ ઓછું થઈ રહ્યું છે. રાજ્યમાં 11 હજાર મેગાવોટથી વધુ ક્ષમતા સોલાર વીજએકમોની છે, જેમાંથી માત્ર 600 મેગાવોટ જનરેશન અત્યારે મળી રહ્યું છે, જે સ્થાપિત ક્ષમતાના ફક્ત સાડા પાંચ ટકા ઉત્પાદન છે. જો કે કેન્દ્ર સરકારના એનટીપીસી જેવા ઉપક્રમોમાંથી મોટા પ્રમાણમાં વીજળી પ્રાપ્ત થતાં અત્યારે વીજ ઉત્પાદન ઓછું હોવા છતાં પાવર એક્સ્સેન્જમાંથી વીજળી ખરીદવી પડતી નથી. ગુરુવારે સેન્ટ્રલ સેક્ટરમાંથી 5,200 મેગાવોટ વીજળી પ્રાપ્ત થઈ હતી.

 એવી જ રીતે ચોમાસામાં પવનના જોરને લીધે પવન ઊર્જા એકમોમાંથી મોટાપ્રમાણમાં જનરેશન મળી રહ્યું છે. અત્યારે 4,200 મેગાવોટ જેટલી વીજળી પવન ઊર્જા એકમો તરફથી મળી રહી છે. રાજ્યમાં આવેલા સ્વતંત્ર પાવર મથકો પાસેથી પૂરતા પ્રમાણમાં વીજળી પ્રાપ્ત થઈ રહી છે. અદાણી પાવર લિમિટેડ 2,000 મેગાવોટ જેટલી, તાતા જૂથની સીજીપીએલ મારફતે 1,500 મેગાવોટ તથા એસ્સારના મથકમાંથી આશરે 700 મેગાવોટ વીજળી રાજ્યને મળી રહી છે.


  • Follow us on: