આગામી 13 માર્ચે હોળીનો પર્વ આવી રહ્યો છે. આ દિવસે હોલિકા દહનમાં જ 400 થી 500 મણ લાકડાં હોમાઈ જતાં હોય છે. પરંતુ આ વખતે પર્યાવરણ સહિતની બાબતોને લક્ષમાં રાખીને મહાપાલિકા વિસ્તારમાં વૈદિક પરંપરાથી હોલિકા દહન કરવાનો નિર્ણય સ્થાયી સમિતી દ્વારા કરવામાં આવ્યો છે. દરેક વોર્ડમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાશે. પરંતુ તેમાં લાકડાંનો બિલકુલ ઉપયોગ નહી કરવામાં આવે તેવું ચેરમેન ગૌરાંગ વ્યાસે વિગતો આપતાં કહ્યું હતું. કોર્પોરેશનના તમામ વોર્ડમાં વૈદિક હોળી પ્રગાટવવાનો પર્યાવરણલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
દરેક સેક્ટરોમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાતો હોય છે. તેના કારણે લાકડાંનો ખૂબ વપરાશ થાય છે. ઉપરાંત ધુમાડાના કારણે પર્યાવરણને પણ અસર થતી હોય છે. આથી વિશેષ વૈદિક પરંપરાથી હોલિકા દહન કરવામાં આવે તો તેનાથી લાકડાં પણ બચી શકે છે. કમિશનરની આ ભલામણને સ્થાયી સમિતીએ હર્ષભેર સ્વીકારી છે. પર્યાવરણ પ્રેમભર્યો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વખતે 132 જગ્યાએ વૈદિક હોળી પ્રગટશે. કોર્પોરેશનના કુલ 44 નગરસેવકો છે.
એક કોર્પોરેટર પોતાના વિસ્તારમાં ત્રણ જગ્યાએ વૈદિક પરંપરાથી હોલિકા દહનનો કાર્યક્રમ કરશે. જેને લઈ 500 થી 600 મણ કરતાં વધુ લાકડાંની બચત શક્ય બનશે. હિન્દુ સંસ્કૃતિમાં હોળી પર્વનું મહત્વ રહેલું છે. એકસોથી પણ વધુ જગ્યાએ હોળી દહન કાર્યક્રમ યોજાય છે. ત્યારે પર્યાવરણ ઝુંબેશ હેઠળ આ વખતે કોર્પોરેશન દ્વારા વૈદિક હોળીની પરંપરાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વર્ષથી વૈદિક હોળીની પંરપરાની શરુઆત થશે. વૈદિક હોળીમાં ગાયના છાણાનો ઉપયોગ થતો હોય છે. આ છાણાં કોર્પોરેશન દ્વારા પુરાં પાડવામાં આવશે. વૈદિક હોળીમાં સામાન્ય રીતે 800 કિલો છાણની જરૂર પડે છે. એટલું જ નહિ વૈદિક હોળીમાં ખર્ચ પણ ઓછો થતો હોવાનું મનાય છે.
વૈદિક હોળીથી પર્યાવરણ શુદ્ધ થાય છે
વૈદિક હોળી પ્રગટાવવાથી પર્યાવરણ શુદ્ધ થાય છે. કોરોના સમયે વૈદિક હોળી પર ભાર મૂકવામાં આવ્યો હતો. આમપણ પર્યાવરણપ્રેમીઓ વૃક્ષોને બચાવવા માટે થઈને લાકડાંના બદલે વૈદિક હોળી પર વધુ ભાર મૂકે છે. હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે. સકારાત્મક ઉર્જાનો સંચય થાય છે. ગાયના છાણની સાથે તેમાં ગાયનું ઘી, કપૂર જેવી ઔષધિનો ઉપયોગ કરાય છે.