- રાજ્યના બીજા IAS લેફ. ગવર્નરના મહત્ત્વના પદે મુકાયા
- અગાઉ ગિરીશ મુર્મૂ થોડા સમય માટે કાશ્મીરમાં પ્રથમ લેફ. ગવર્નર બનાવાયેલા
- ગુજરાત કેડરના 1979 બેચના આ નિવૃત્ત આઇએએસ 71 વર્ષની ઉંમરના છે
કે.કૈલાસનાથનને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના લેફ્ટેનન્ટ ગવર્નર બનાવાયા છે. ગુજરાતના વહીવટીતંત્રમાં પીઢ અનુભવી આ બ્યૂરોક્રેટએ ગત મહિને સ્વેચ્છાએ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવના પદ ઉપરથી 11 વર્ષ બાદ વિદાય લીધી ત્યારે એમનો વધુ મોટા મહત્ત્વના ફલક ઉપર ઉપયોગ થશે એવી થયેલી અટકળો અંતે સાચી ઠરી છે.
ગુજરાત કેડરના 1979 બેચના આ નિવૃત્ત આઇએએસ 71 વર્ષની ઉંમરના છે અને કેરળના કોઝીકોડ જિલ્લાના વદાકરાના મૂળ વતની છે.કુનિયિલ કૈલાસથનની પુડુચેરીના લેફટેનન્ટ ગવર્નર તરીકે નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા જાહેર થઈ છે, જેનો સમયગાળો તેઓ પદ સંભાળે ત્યારથી માંડીને પાંચ વર્ષનો રહેશે.ગુજરાતના આ બીજા આઇએએસ અધિકારી લેફટેનન્ટ ગવર્નર તરીકે મહત્ત્વના પદે મુકાયા છે. કૈલાસનાથન 31મે-2013માં સેવાનિવૃત્ત થયા એ પૂર્વે તેઓ તત્કાલીન મુખ્યમંત્રી મોદીના કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ પદે ફરજ બજાવતા હતા. એમની નિવૃત્તિ બાદ મોદીએ ખાસ એમના માટે સીએમઓમાં મુખ્ય અગ્રસચિવની જગ્યા ઊભી કરી હતી, જ્યાં તેઓ 11 વર્ષના લાંબા સમય સુધી રહ્યા હતા. આઇએએસ તરીકે સુરેન્દ્રનગરના કલેક્ટર પદેથી ફરજ શરૂ કરનારા કૈલાસનાથને, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે, તેમજ પાણી પુરવઠા વિભાગ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ જેવા સરકારી વિભાગો-નિગમોમાં સુદીર્ઘ સેવાઓ બજાવી છે.










