કોવિડ- 19ની મહામારી વખતે ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં મનરેગા હેઠળ રોજગારી સર્જન ક્ષેત્રે માનવ શ્રમ દિવસોમાં વધારો થયો હતો. પરંતુ, તે પછીના ત્રણેય વર્ષોમાં તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાજનક છે. માત્ર શ્રમના દિવસો જ નહી પરંતુ, ભારત સરકાર તરફથી મનરેગા હેઠળ થતી ભંડોળની ફાળવણી પણ ઘટી રહી છે.


જેની પાછળ એવુ કહેવાય છે કે ગુજરાતમાં હાલમાં મનરેગા હેઠળ માત્ર જળસંચય તેમજ વનીકરણના કામો માટે જ સૌથી વધારે થઈ રહ્યો છે. અન્ય કામોમાં મનરેગાની ગ્રાન્ટનો ઉપયોગ થાય તો ગ્રામિણ સ્તરેથી સ્થળાંતર અટકે અને સ્થાનિક સ્તરે રોજગારીને ઉત્તેજન મળી શકે તેમ છે.ભારત સરકારના ગ્રામિણ વિકાસ મંત્રાલયે પ્રસિધ્ધ કરેલી માહિતી અનુસાર વર્ષ 2019- 20થી લઈને 2024-25 સુધીના છ વર્ષમાં મનરેગા હેઠળ ગુજરાત રાજ્યને મજદૂરીના ઘટક માટે રૂપિયા 5,907 કરોડથી વધારે રકમ ગ્રાન્ટ તરીકે આપી છે. કોરોનાકાળ વખતે ગુજરાતને વર્ષ 2020-21માં રૂ.1066 કરોડ બે લાખ ગ્રાન્ટ આપી ત્યારે માનવ શ્રમ દિવસ તરીકે 482 લાખ 29 હજાર દિવસ શ્રમનું સર્જન થઈ શક્યુ હતુ. તે પહેલા વર્ષ 19-20માં માત્ર 353.69 લાખ શ્રમ દિવસ સર્જાયા હતા. લોકડાઉનને કારણે 20-21 પછીના વર્ષ 21- 22માં સૌથી વધુ અર્થાત 568 લાખ માનવ શ્રમ દિવસનું નિર્માણ થયુ હતુ. પરંતુ, તે પછીના વર્ષોમાં શ્રમ દિવસોના સર્જનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.મનરેગા સાથે જોડાયેલા કર્મશીલોના કહેવા મુજબ ગુજરાતમાં જ્યાંથી શ્રમિકો આવે છે તે પાડોશી રાજ્યોમાં શ્રમ દિવસોનું પ્રમાણ વધી રહ્યુ છે. જે રોજગારીની શોધીમાં ગુજરાતમાં થતા સ્થળાંતરની ગતિ અટકાવી શકે છે.


  • Follow us on: