પંચાયત સેવા હસ્તકના આરોગ્ય કર્મચારીઓ લાંબા સમયથી પડતર માંગણીઓ સાથે આંદોલન કરી રહ્યાં છે.


તેમાં પણ 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડીને રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા. ત્યારે હવે ધરણાં-પ્રદર્શનને ચાર દિવસનો વિરામ આપી કર્મચારીઓને ગાંધીનગર છોડી દેવા આદેશ કરાયો છે. જોકે હડતાળ ચાલુ જ હોવાનું અને પ્રદર્શનો પણ સોમવારથી ફરી ચાલુ કરવાનું આંતરિક રીતે એલાન કરાયું હોવાની વિગતો છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓનું આંદોલન ધીરે-ધીરે ઠંડુ પડતું હોવાનું લાગી રહ્યું છે. પહેલાં આંદોલનમાં ફાંટા પડતાં ઘણા જિલ્લાના કર્મચારીઓએ પોતાનું સમર્થન પાછુ ખેંચી લીધું હતુ. જોકે ગાંધીનગર સહિતના કેટલાક જિલ્લાના કર્મચારીઓએ હડતાળ ચાલુ જ રાખી છે. ત્યારે હવે આંદોલન ચાર દિવસ માટે સ્થગિત કરી દેવાયું છે. મહાસંઘ દ્વારા ગઈકાલે જ કર્મચારીઓને ગાંધીનગર છોડીને ચાર દિવસ પોતાના ઘરે જતાં રહેવા આદેશ કર્યો હતો. આ પ્રકારની સૂચનાને કારણે આંદોલન સમેટાઈ ગયું હોવાનું ચર્ચા આરોગ્ય કર્મચારીઓમાં જોવા મળી હતી. જોકે મહાસંઘ દ્વારા હડતાળ ચાલુ જ હોવાનું આશ્વાસન આપીને સોમવારે ફરીથી ગાંધીનગર આવી જવા માટે કર્મચારીઓને કહેવાયું હતું. ચાર દિવસ ઘરે જતાં કર્મચારીઓને ફરજ ઉપર હાજર ન થવા માટે સૂચના અપાઈ છે. જોકે સમગ્ર બાબતે સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી. આંદોલન ચાર દિવસ હોલ્ડ કરવાનો નિર્ણય કોઈ રણનિતી હેઠળ લેવાયો છે કે નબળા પડેલાં આંદોલનને પગલે તેની જાણ આરોગ્ય કર્મચારીઓને પણ કરાઈ નથી.


  • Follow us on: