આરોગ્ય કર્મચારીઓ સરકાર સાથે લડી લેવાના મૂડમાં છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પડતર પ્રશ્નોને લઈને આરોગ્ય કર્મચારીઓ ધરણાં કરશે. આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ્દ કરવા સહિત અનેક પ્રશ્નોને લઈને ગાંધીનગર ખાતે સરકારનો ઘેરાવ કરશે. અને આ વખતે નિર્ણય ના આવે ત્યાં સુધી આરોગ્ય કર્મચારીઓ 5 માર્ચના રોજ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે.
ફરી એક વખત આંદોલનનું શસ્ત્ર
રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ ફરી એક વખત આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. અગાઉ વર્ષ 2022માં પણ 15 થી 20 સપ્ટેમ્બર દરમિયાન પોતાના પ્રશ્નોને લઈને હડતાળ પર ઉતર્યા હતા. એ વખતે તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેમની તમામ માગ પૂર્ણ કરાશે. પરંતુ વર્ષ 2025 આવ્યા બાદ પણ તંત્ર દ્વારા તેમના પ્રશ્નોને લઈને કોઈ નિરાકરણ લાવવામા આવ્યું નથી. અને એટલે જ આ વખતે આરોગ્ય કર્મચારી સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ પાડી ગાંધીનગરમાં ધરણાં કરશે.
આરોગ્ય કર્મચારી મહાસંઘની સરકારને ચીમકી
છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે, ટેક્નિકલ સંવર્ગ અને ખાતાકીય પરિક્ષા રદ્દ કરવા સહીતના પ્રશ્નોના નિરાકરણ માટે તંત્રને રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર તરફથી તેમના પડતર પ્રશ્નોને લઈને કોઈ બાંહેધારી ના અપાતા આરોગ્ય કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યો. લાંબા સમયથી તેમના પડતર પ્રશ્નોને નજર અંદાજ કરાતા આ વખતે આરોગ્યની વિવિધ સાત કેડરમાં આવતા કર્મચારીઓ એક થયા છે. તમામ કર્મચારીઓ એકસાથે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરશે.









