અડાલજ બાલાપીર સર્કલ પાસે એક વેપારી પર પારિવારીક ઝઘડામાં તેના સાઢુએ એરગનથી ફાયરીંગ કરતા વેપારીને ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. મારી પત્નીને કેમ સપોર્ટ કરે છે કહિને શખસે પ્રથમ પોતાના સાઢુને મારમાર્યો હતો અને ત્યારબાદ તેના પર ફુગ્ગા ફોડવાના ગનથી ફાયરીંગ કરીને ઇજા પહોંચાડી હતી. આ મામલે ઇજાગ્રસ્તે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
કુડાસણમાં રહેતા મનિષભાઇ વિઠ્ઠલભાઇ પ્રજાપતિએ આ મામલે પોતાના સાઢુભાઇ સેક્ટર-2 ડી અલીપાર્ક સોસાયટી ખાતે રહેતા રાકેશ અમૃત પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમની સાળી આશાને પતિ રાકેશ પ્રજાપતિ સાથે છેલ્લા દોઢેક માસથી અણબનાવ બન્યો હતો. આથી સાળી પિયર પિતાના ઘરે ઉનાવા રહેવા જતી રહી હતી. જ્યાં તેણે પોતાના પતિ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન ગઇકાલે મોડીસાંજે મનિષ પ્રજાપતિ પોતાના બાલાપીર સર્કલ પાસે આવેલ અક્ષર કોમ્પલેક્ષમાં ગુરુકૃપા સ્વીટ એન્ડ બેકરીની દુકાને બેઠા હતા ત્યારે રાકેશ પ્રજાપતિ પોતાની કાર લઇને આવ્યો હતો. રાકેશ સાઢુ થતો હોય મનિષ પ્રજાપતિએ તેને દુકાનમાં બેસાડયો હતો. જ્યાં તેણે મનિષને તુ મારી પત્નીને કેમ સપોર્ટ કરે છે, તેની વાતો કેમ માને છે, કહિને ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન રાકેશ પ્રજાપતિ ઉશ્કેરાયો હતો અને તેણે સાઢુભાઇ મનિષને લાફો મારી નીચે પાડી દઇ ગડદાપાટુનો મારમાર્યો હતો. ગભરાયેલો મનિષ પ્રજાપતિ દુકાનની બહાર નિકળી ગયો હતો.
આ દરમિયાન રાકેશે લાકડાનો ધોકો લઇને તેને મારમારી ખિસ્સામાંથી ફુગ્ગા ફોડવાની એરગન ગાઢી મનિષ સામે તાંકી ફાયરીંગ કર્યુ હતું. જેમાંથી છુટેલા છરા મનિષ પ્રજાપતિને કપાળ અને ગાલના ભાગે નીકળતા તેને ઇજા પહોંચી હતી. રાકેશ ત્યારબાદ તેને ધમકી આપી ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત મનિષ પ્રજાપતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ મામલે તેણે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.