- 6 સપ્ટેમ્બરે સુરતથી જળસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરાશે
- જળસંચય જનભાગીદારી યોજનાના શુભારંભમાં પીએમ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે
- મુખ્યમંત્રીએ કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી અભિયાનને સફળ બનાવવા આપ્યું માર્ગદર્શન
કેન્દ્રિય જલશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે 6 સપ્ટેમ્બરે સુરતથી જલસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ થવાનો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપવાના છે. કેન્દ્રિય જલશક્તિ મંત્રી સી. આર. પાટિલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી કાર્યક્રમમાં જોડાશે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જળશક્તિ અભિયાન
કેન્દ્રિય જલશક્તિ મંત્રાલય દ્વારા દેશના રાજ્યોમાં જળસંચય સંબંધિત કામગીરી માટે ‘કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ-વ્હેઈન ઈટ ફોલ્સ...’ થીમ સાથે 2021થી જળશક્તિ અભિયાન હાથ ધરાઈ છે. 2024ના આ વર્ષમાં ‘નારીશક્તિ સે જલશક્તિ’ થીમ સાથે 9 માર્ચ 2024થી 30 નવેમ્બર 2024 સુધી જળશક્તિ અભિયાન યોજાઈ રહ્યું છે.
મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજીને અભિયાનને વ્યાપક સફળ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યમાં વરસાદી સ્થિતિની સમીક્ષા પણ આ કોન્ફરન્સ દરમિયાન કરી હતી.
કોન્ફરન્સમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરાઇ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, હવે જ્યારે વરસાદે વિરામ લીધો છે અને વરસાદી સ્થિતિમાંથી આપણે બહાર આવી રહ્યા છીએ ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સફાઈ લોકોની આરોગ્ય સુખાકારી, માર્ગોની તાકીદે મરામતને અગ્રતા અપાય, એટલું જ નહીં, સર્વે કરીને કેશડોલ્સ અને ઘરવખરી સહાયનું પણ ચૂકવણું અસરગ્રસ્તોને ત્વરાએ થાય તેને પ્રાધાન્ય આપીએ.
આ વીડિયો કોન્ફરન્સમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી , એમ. કે. દાસ તેમજ વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ સહભાગી થયા હતા.









