ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામે આવેલા કબીરવડ સમા પ્રસિદ્ધ વડ નીચે બિરાજમાન ઐતિહાસિક મહાકાળી માતાજીના મંદિરમાં ગતરોજ વહેલી સવારે તસ્કરો ત્રાટ્યા હતા, જ્યાં માતાજીના બંને મંદિરમાં પ્રવેશી માતાજીની સોનાની આંખો તેમજ છત્ર સહિતના આભૂષણોની ચોરી કરી પલાયન થઈ જતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મંદિરમાં આસ્થા ધરાવે છે

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા કંથારપુરા ગામે કબીરવડ સમા વડમાં પ્રસિદ્ધ અને ઐતિહાસિક મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, જે મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આસ્થા ધરાવે છે. તેઓ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે અવાર નવાર અહીં મુલાકાત લેતા હતા અને આ મંદિરને વિકસાવવા માટેની જાહેરાત કરતા હાલ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
માતાજીની બંને મૂર્તિઓમાંથી સોનાની આંખો અને છત્ર સહિતના આભૂષણોની ચોરી કરી પલાયન

તેવામાં જ ગતરોજ મહાકાળી મંદિરમાં વહેલી સવારે તસ્કરો ત્રાક્યા હતા અને વડ નીચે આવેલા બંને મંદિરોમાં મહાકાળી માતાજીની બંને મૂર્તિઓમાંથી સોનાની આંખો અને છત્ર સહિતના આભૂષણોની ચોરી કરી પલાયન થઈ ગયા હતા, વહેલી સવારે મંદિરના પૂજારી જ્યારે આરતી માટે આવે ત્યારે જુઓ તો મંદિરમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું અને નજીકમાં આવેલા એકમાત્ર સીસીટીવી કેમેરામાં ઈકો ગાડી આવી હોવાનું જણાય આવતા તસ્કરો ઈકો ગાડીનો સહારો લઈ પહોંચ્યા હોવાનું માલુમ પડ્યું હતું.

અગાઉ પણ ચોરીની ઘટના બની ચૂકી છે

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પવિત્ર યાત્રાધામ અને વિકાસ બોર્ડ દ્વારા મહાકાળી માતાના મંદિરની વિકસાવવાની કામગીરી ચાલી રહી છે, તે સમયે પણ થોડાક મહિના પહેલા વડની વડવાઈઓ તૂટી પડી હતી. જ્યારે સરકારના આ વિભાગની બેદરકારીને કારણે કોઈ સિક્યુરિટી કે વોચમેન નહીં હોવાથી ચોરીનો બનાવ બનતા તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે, ગત વર્ષે જુલાઈ મહિનામાં પણ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો તેમ છતાં સરકારી તંત્ર દ્વારા ઠોસ પગલાં નહીં લેવામાં આવતા ચોરીનો બીજી વખત બનાવ બનવા પામ્યો છે. બીજી તરફ મહાકાળી માતાના મંદિરમાં ચોરીના બનાવથી ધાર્મિક લોકોમાં પણ નારાજગીનો સૂર ઉઠ્યો છે.
  • Follow us on: