• જમાલપુરના શખ્સની મદદથી દિલ્હી યુપીની ગેંગનું કારસ્તાન

  • છાલામાં જીઓ કંપનીના ટાવરમાંથી થયેલી પાંચ ચોરીનો પણ ભેદ ઉકેલાયો
  • આ ગેંગમાં જમાલપુરનો એક સ્થાનિક રહિશ પણ સામેલ છે

સમગ્ર રાજ્યમાં આવેલ જીઓ કંપનીના મોબાઇલ ટાવરમાંથી બેટરી ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગના પાંચ પૈકી ત્રણ સાગરીતોની પોલીસે ધરપકડ કરી છે.

જેઓની પ્રાથમિક પુછપરછમાં તેઓએ ગાંધીનગરના છાલા ગામની સીમમાં આવેલ મોબાઇલ ટાવરમાંથી કરેલી પાંચ બેટરીની ચોરી ઉપરાંત અલગ અલગ 59 સ્થળોએથી 271 બેટરીની થયેલી ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે. આ ગેંગમાં જમાલપુરનો એક સ્થાનિક રહિશ પણ સામેલ છે. તેની સાથે યુપી દિલ્હીની ગેંગ આ તસ્કરીમાં સામેલ હોવાનું જણાયુ છે. આ શખસોએ છાલા પાસે આવેલા જીઓ કંપનીના મોબાઇલ ટાવરમાંથી 3.50 લાખની કિંમતની પાંચ બેટરીઓ ચોરી કરી હતી.

આ મામલે જીઓ મોબાઇલ ટાવરના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ધરાવતા પ્રતાપ ટેકનોક્રેટ કંપનીના એસ્ટેટ મેનેજર મહમદ કલીમ નજીર શેખ (રહે. જુહાપુરા)એ સીઆઇડી ક્રાઇમમાં પાંચ શખસો સામે ફરિયાદ નોંધાવી છે. આ પાંચ શખસોમાં અનસ ઉર્ફે સોનું શમશેર ગાજુ ચૌધરી (રહે. મુળ પસોન્ડા, ગાઝિયાબાદ, હાલ રહે. જમાલપુર, અમદાવાદ), જોહૈદ ઇસરાર ઇબ્રાહીમ કુરેશી (રહે. કુરેશી કા મહોલ્લા હસનપુરા, ઉત્તર પ્રદેશ) ફઇમ સમીમ શરીફ કુરેશી (રહે. સીતાવલી, યુપી હાલ રહે. દિલ્હી ), અરકમ ઇસરાર ઇબ્રાહિમ (રહે. સીતાવલી, હાલ રહે. દિલ્હી), તથા સાહિદ અને સોએબ (બંને રહે. ન્યુ દિલ્હી)નો સમાવેશ થાય છે. આ શખસો પૈકી અનસ ઉર્ફે સોનુ શમશેર ચૌધરી, જોહૈબ ઇશરાર કુરેશી અને ફઇમ સમીમ કુરેશીની અરવલ્લી એલસીબીએ અરવલ્લીના વાટડા અને ગઢડા વિસ્તારમાં આવેલ જીઓ કંપનીના મોબાઇલ ટાવરમાંથી થયેલી બેટરીઓની ચોરી મામલે ધરપકડ કરી છે. તેમની પુછપરછમાં ઉપરોક્ત અન્ય શખસોના પણ નામ ખુલ્યા હતા. આ શખસોએ 23 માર્ચ 2024થી જુલાઇ-2024 સુધીમાં સમગ્ર ગુજરાતમાં જીઓ મોબાઇલ ટાવરમાંથી જે બેટરીઓની ચોરી થઇ તેની કબુલાત આપી છે. જેમાં છાલા સ્થિત જીઓ મોબાઇલ કંપનીના ટાવરમાંથી થયેલી પાંચ નંગ બેટરી ચોરીનો પણ સમાવેશ થાય છે. આ શખ્સોએ રાત્રીના સાડા અગિયાર કલાક આસપાસ ઉપરોક્ત મોબાઇલ ટાવરનું ઓડીસી બોક્સ તોડીને તેના વાયરો કાપીને રૂા. 3.50 લાખની કિંમતની પાંચ નંગ બેટરીની ચોરી કરી હતી.

ઉલ્લેખનીય છેકે, ઉપરોક્ત સમયગાળા દરમિયાન સુરેન્દ્રનગર, પંચમહાલ, અમદાવાદ રૂરલ, ખેડા, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામા 59 જેટલા સ્થળોએ આવેલ મોબાઇલ ટાવરમાંથી 271 નંગ બેટરીની ચોરી થઇ હતી. આ મામલે સીઆઇડી ક્રાઇમે તપાસનો દોર સંભાળ્યો છે. આ બેટરી ચોરીનું કૌભાંડ આંતરરાજ્ય હોવાની શક્યતાના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


  • Follow us on: