- રોગચાળો ફાટી નીકળવાનો ભય
- ગ્રામજનોને આફતમાં મૂકીને સરકારી કર્મચારીઓ તહેવારોનો આનંદ લૂંટી રહ્યા છે
- ગટરના ગંદા પાણીને લઈ સમગ્ર ગામમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે
ખોરજ ગામમાં જે પાણી ભરાયેલું જોવા મળે છે એ વરસાદનું નથી, ગટરના દુષિત અને ગંદા પાણીમાં આખું ગામ ગરકાવ થઈ ગયું છે.
ખોરજ ગામનો ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવેશ થયો છે. પરંતુ તેની સતત અવગણના થઈ રહી છે. ગુડા, પાટનગર યોજના તથા ગાંધીનગર કોર્પોરેશન આ ત્રણેય તંત્રોના પાપે ખોરજના રહીશોનો સાતમ-આઠમના પર્વોનો આનંદ લૂંટાઈ ગયો છે. ગામના રસ્તા ગટરના પાણીમાં ડૂબેલા છે. ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે. ગટરના ગંદા પાણીને લઈ સમગ્ર ગામમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે.
આ ત્રણેય તંત્રોએ સમગ્ર ગામને રોગચાળાને હવાલે કરી દીધું છે. અત્યારે સરકારમાં રજાઓનો માહોલ છે. માનવઅધિકાર આયોગે ખૂદ હવે આ ગ્રામજનોને આ આફતમાંથી બહાર કાઢવાની જરૂર છે. જવાબદાર તંત્રોના કાન આમળવામાં નહિ આવે, તેમની સામે તવાઈ નહી આવે ત્યાં સુધી આ સરકારી વિભાગો લોકોના આરોગ્ય સાથે આમ જ ખિલવાડ કરતા રહેશે. લોકોના જીવવાના અધિકાર પર તરાપ મારનાર જવાબદાર તંત્રો સામે માનવઅધિકાર આયોગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવેશ ભલે થઈ ગયો, પણ ખોરજ ગામની સમસ્યાઓને જોવા, સાંભળવા કે ઉકેલવામાં મ્યુનિ તંત્રને કોઈ રસ નથી.
ખોરજને નર્કાગાર બનાવનાર જવાબદારો સામે રહીશોમાં ભારોભાર આક્રોશ ભભૂક્યો છે. રાજ્ય સરકાર મૂક બની તમાશો જુએ છે. પરંતુ સમસ્યાના નિવારણ માટે અધિકારીઓના કાન પકડતું નથી. તેને લઈને પણ લોકોમાં નિરાશા ફરી વળી છે. કારણકે હવે ગ્રામજનોને કોઈની ઉપર આશા નથી રહી.