ગુજરાતમાં 2016-17ના વર્ષથી શહેરી વિસ્તારોમાં શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની જુદી જુદી ચાર યોજનાઓનો પહેલો રાઉન્ડ 2024-25ના વર્ષમાં પૂરો થાય છે. વર્ષ 2025-26થી પાંચ વર્ષ સુધી બીજો રાઉન્ડ ચાલશે.
પહેલા રાઉન્ડમાં જમીન માલિકોની પોતાની જમીન ઉપર સર્જાતા એફોર્ડેબલમકાનોની બેનિફિશયરી લેડ કન્સ્ટ્રક્શન યોજનામાં કુલ 1,56,978 મકાનો પૂર્ણ થશે, જેમાં યુનિટદીઠ કેન્દ્ર સરકાર દ્વારા રૂ.1.50 લાખની સહાય લેખે કુલ રૂ.2354,67 કરોડ ખર્ચાશે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.2 લાખની સહાય લેખે કુલ રૂ.3139,56 કરોડ ખર્ચાશે.
હજી પ્રત્યેક ચાર ઘટકોમાં નવા પાંચ વર્ષ દરમિયાન કુલ કેટલા મકાનો બનશે તેનો ટારગેટ હજી કેન્દ્ર સરકાર તરફથી આવ્યો નથી. અલબત્ત રાજ્ય સરકારની ગણતરી પ્રમાણે બેનિફિશયરી લેડ કન્સ્ટ્રક્શનની યોજનામાં 1.50 લાખ મકાનો બાંધવાનો લક્ષ્યાંક રાજ્યને મળે તેવી શક્યતા છે અને એ પ્રમાણે કેન્દ્ર સરકારની સહાય પાંચ વર્ષમાં યુનિટદીઠ દોઢ લાખ લેખે રૂ.2250 કરોડ મળશે, જ્યારે રાજ્ય સરકાર યુનિટદીઠ સહાયમાં રૂ.50 હજારનો વધારો કરશે તો પાંચ વર્ષમાં રાજ્ય દ્વારા રૂ.3750 કરોડ ખર્ચાશે અને એ રીતે પાંચ વર્ષમાં રાજ્યનો આ સબસિડી પાછળ ખર્ચ રૂ.610 કરોડ વધશે AHP જે ચારે પૈકી સૌથી મહત્ત્વની યોજના છે તેમાં 2015-16થી 2024-25 દરમિયાન કુલ 1,42,733 મકાનો સર્જાયા છે. આ ઘટકમાં 2022-23થી 2024-25 સુધી ત્રણ વર્ષમાં એક પણ નવા મકાનો સર્જાયા નથી,
આ યોજનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યુનિટદીઠ એકસરખી રૂ. દોઢ લાખની સબસિડી લેખે કુલ રૂ.4281.99 કરોડ ખર્ચાયા છે. રાજ્ય સરકારની ગણતરી પ્રમાણે હવે આ યોજનામાં નવા પાંચ વર્ષમાં વધુ દોઢ લાખ મકાનો બાંધવાનો લક્ષ્યાંક કેન્દ્ર તરફથી મળે તેવી શક્યતા છે, જો આ પ્રમાણે થશે તો રાજ્ય સરકારની ગણતરી પ્રમાણે રાજ્ય સરકારની યુનિટદીઠ રૂ.2 લાખની સબસિડી થાય તો તેનો કુલ ખર્ચ રૂ.3 હજાર કરોડ, રૂ.3 લાખની સબસિડી થાય તો તેનો કુલ ખર્ચ રૂ.4500 કરોડ અને રૂ.4 લાખની સબસિડી થાય તો તેનો કુલ ખર્ચ રૂ.6 હજાર કરોડ થવાની શક્યતા વ્યકત થઈ છે.
ચોરસમીટરે રૂ.2 હજાર સબસિડી જાહેર કરે તેવી શક્યતા
એફોર્ડેબલરેન્ટલ હાઉસિંગ સ્કીમમાં જૂની યોજનાના ખાલી પડેલા આવાસોમાં ટેકનોલોજી અપગ્રેડેશન માટે કેન્દ્ર સરકાર અત્યારે જે યુનિટદીઠ પ્રત્યેક ચોરસમીટર લેખે રૂ.2 હજાર સબસિડી આપે છે, તેમાં રૂ.1 હજાર સબસિડી વધશે તેવી ગણતરી છે, જ્યારે અત્યારે આ યોજનામાં રાજ્ય સરકાર એકપણ રૂપિયો સહાય આપતી નથી, પણ નવી યોજનામાં તે યુનિટદીઠ પ્રત્યેક ચોરસમીટરે રૂ.2 હજાર સબસિડી જાહેર કરે તેવી શક્યતા છે.