મેગાસિટી અમદાવાદમાં શિવાલિક બિલ્ડર્સનું ઇસ્કોન ચાર રસ્તા ઉપર આવેલું શિવાલિક શિલ્પ નામક બિલ્ડિંગ નબળી ગુણવત્તાવાળું હોવાથી ઉપરના માળે બિલ્ડરની ગ્રૂપ કંપનીના લીલી સ્પા સેન્ટરના બાથટબમાંથી સતત પાણી લીક થવાથી નીચેના માળની સીલિંગમાં ભેજ અને પાણી ટપકવાની સમસ્યા અંગેની ફરિયાદ ગુજરાત રાજ્ય રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટીમાં મેમ્બર તરીકે ફરજ બજાવતા નિવૃત્ત આઇએએસ એમ.એ. ગાંધીએ નકારી કાઢી છે.
સદર બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાન નં-6ના માલિક અને 'ત્રિધ્યા ફેશન'નામનો શોરૂમના ભાગીદાર રમેશ અરજણ મારંડએ તેમના શો રૂમના ઉપરના માળે શિવાલિક શિલ્પના બિલ્ડર મેસર્સ જી.એસ.એસ. ઓર્ગેનાઇઝર્સની ગ્રૂપ કંપની હેત-ચિંત હોસ્પિટાલિટી પ્રા.લિ. દ્વારા ચલાવતા સ્પા સેન્ટરમાં મુકાયેલા મોટા બાથટબમાંથી પાણી સતત ટપકતું હોઈ નીચે તેમના શો-રૂમની સીલિંગમાં સતત ભેજ અને પાણી ટપકવાની સમસ્યા રહેતી હોઈ તેમજ બિલ્ડર દ્વારા એકવાર વોટર પ્રૂફ્રિંગ કરી આપવા છતાં સમસ્યા એની એ જ રહેતાં, આ સમસ્યા નબળા બાંધકામને લીધે ઉદ્ભવી હોઈ તેનો કાયમી નિકાલ કરી અપાવવા સ્પા સેન્ટરનું ગેરકાયદે બાંધકામ દૂર કરવા, બિલ્ડિંગમાં સર્વિસ સોસાયટી બનાવી તેને પ્રોજેક્ટનો વહીવટ સોંપવા તેમજ વળતર અપાવવા રેરા ઑથોરિટી સમક્ષ દાદ માગી હતી.
ઑથોરિટીના મેમ્બર એમ.એ. ગાંધીએ ફરિયાદી તથા સામાવાળા બિલ્ડરના વકીલોને સાંભળ્યા બાદ એવું ઠરાવ્યું હતું કે, શિવાલિક શિલ્પ પ્રોજેક્ટ 2016માં ચાલુ થયેલો અને તેને માટે બીયુ પરમિશન તાય 21-2-19ના રોજ અપાયેલી અને દુકાન નં-6ના મૂળ માલિક હિતેશ વાસુદેવ પાસેથી ફરિયાદીએ તા. 22-3-22ના રોજ વેચાણ લીધી હતી. ફરિયાદી નબળું બાંધકામની ફરિયાદ કરે છે, પણ તેઓ કોઈ પુરાવો રજૂ કરી શક્યા નથી.
દુકાનની ઉપરના માળે સ્પા સેન્ટરમાંથી પાણી લીક થવાની સમસ્યા મેમ્બરો દ્વારા સોસાયટી કે પ્રમોટરની પરવાનગી વગર ગેરકાયદેસર ફેરફારના કારણે ઊભી થઈ છે, આ મેમ્બરોની અંગત તકરાર છે, એલોટી અને પ્રમોટર વચ્ચેની તકરાર નથી. આ સંજોગોમાં ફરિયાદીની ફરિયાદ ઑથોરિટી સમક્ષ ચાલવાપાત્ર રહેતી નથી, તદુપરાંત ફરિયાદી એ પણ સાબિત કરી શક્યા નથી કે સામાવાળા બિલ્ડરે સર્વિસ સોસાયટી બનાવી પ્રોજેક્ટનો વહીવટ સોંપ્યો નથી, એમ ઑથોરિટીના મેમ્બર એમ.એ. ગાંધીએ હુકમમાં જણાવ્યું હતું.

  • Follow us on: