ગાંધીનગરની કલોલ નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે. કલોલમાં દબાણ હટાવવા બાબતે ફેરિયાઓએ નગરપાલિકા કચેરી ઉપર પથ્થરમારો કર્યો છે. આજે મોડી સાંજે રજૂઆત કરવા આવેલા ફેરિયાઓએ નગરપાલિકાની બિલ્ડિંગ ઉપર પથ્થરમારો કર્યો છે અને સમગ્ર વાતાવરણ તંગદિલી ભર્યુ સર્જ્યુ છે.
નગરપાલિકાના ઝાંપા પાસે પથ્થરમારો કરતા હોબાળો મચી ગયો
ફેરીયાઓ નગરપાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરીને નીચે ઉતર્યા ત્યારબાદ રિક્ષામાં બેસીને નગરપાલિકાની બિલ્ડીંગ ઉપર અચાનક જ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. મળતી માહિતી મુજબ ફેરિયાઓ અગાઉથી જ રિક્ષામાં પથ્થરો ભરીને આવ્યા હતા અને નગરપાલિકાના ઝાપા પાસે પથ્થરમારો કરતા હોબાળો મચી ગયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
કલ્યાણપુરા શાકમાર્કેટ પાસે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ઘટના બાદ હાલમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસ દ્વારા કલ્યાણપુરા વિસ્તારમાં પથ્થરમારો કરનાર તત્વોની શોધખોળ હાથ ધરાઈ છે. નગરપાલિકા કચેરી ઉપર પથ્થરમારો કરવાના પગલે ચકચાર સાથે હોબાળો મચી ગયો હતો અને હાલમાં શહેરના કલ્યાણપુરા શાકમાર્કેટ પાસે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અગાઉ નગરપાલિકામાં ભાજપના જ બે જૂથ સામસામે, તોડફોડ અને લાફાવાળી થઈ હતી
સપ્ટેમ્બર 2024માં જ કલોલ નગરપાલિકામાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 7.30 કરોડના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં સોસાયટીઓમાં પેવર બ્લોક અને સીસી રોડ બનાવવાની કામગીરી કરવાની હતી. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર થયેલ કામનું રીટેન્ડરીંગ માગવામાં આવ્યું હતું અને કામ ખોરવાઈ ગયું હતું. ત્યારે કામ ખોરવાઈ જવાના પગલે સોસાયટીઓના રહીશોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો અને તેઓ પોતાની રજૂઆત કરવા આજે કલોલ નગરપાલિકા કચેરી આવ્યા હતા અને તેઓએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો જવાબ માગ્યો હતો કે તમે રિટેન્ડરીંગ કેમ માગ્યું? વિકાસના કામોમાં રોડા કેમ નાખ્યા? તેમ કહી ભારે આક્રોશ વ્યક્ત કરી હલ્લાબોલ કર્યો હતો. જેના પગલે પોલીસ દોડી આવી હતી તેઓએ નગરપાલિકામાં હાજર નહીં મળેલા પ્રમુખને બોલાવવાની માગણી કરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરઘડેનો ઘેરાવ કરી સુત્રોચ્ચાર કર્યા હતા .
200થી વધુ લોકોનું ટોળું નગરપાલિકા કચેરીમાં ઘુસી ગયું હતું
ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રિટેન્ડરિંગ કરવામાં આવતા એક જૂથ દ્વારા નગરપાલિકામાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં ઘુસીને રજુઆત કરાઈ હતી અને ત્યારબાદ તોડફોડ અને લાફાવાળી કરવામાં આવી હતી. પ્રજાના કામ ન થતાં હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે 200થી વધુ લોકોનું ટોળું નગરપાલિકા કચેરીમાં ઘુસી જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને કલોલ નગરપાલિકામાં વિકાસના કામો ખોરવાતા નાગરિકોએ પાલિકામાં હોબાળો મચાવ્યો હતો.









