મેનેજમેન્ટ ક્વોટા હેઠળ પ્રવેશ મેળવતા આદીવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓએ આજે નવા સચિવાલય ખાતે શક્તિપ્રદર્શન કરીને સ્કોલરશીપ પુનઃ શરૂ કરવાની માંગ કરી હતી. આ સમયે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ચકમક ઝરી હતી. પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
વિધાનસભા સત્ર ચાલી રહ્યુ છે ત્યારે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નવા સચિવાલય પાસે ઉમટી પડયા હતા. વિદ્યાર્થીઓની માંગ હતીકે, સરકાર દ્વારા બંધ કરાયેલી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પુનઃ શરૂ કરવામાં આવે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ વિદ્યાર્થીઓની આગેવાની લીધી હતી. તેઓ સચિવાલય તરફ કુચ કરે તે પુર્વે પોલીસે તેઓને અટકાવ્યા હતા. આ દરમિયાન બંને પક્ષે ચકમક ઝરી હતી. વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છેકે, સરકારે મેનેજમેન્ટ ક્વોટામાં વ્યાવસાયીક અને બીનવ્યાવસાયીક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવતા આદીવાસી છાત્રોને મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તી બંધ કરી હતી. જેનો આદીવાસી વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે અગાઉ પણ વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં આંદોલનો કર્યા હતા. આજે વિધાનસભા સત્ર દરમિયાન તેઓએ પુનઃ સચિવાલય પાસે આંદોલન કરીને શિષ્યવૃત્તિ પુનઃ શરૂ કરવાની માંગ કરી છે.










