ગાંધીનગરમાં છેલ્લા એક સપ્તાહથી તરખાટ મચાવતા ચંદન તસ્કરોએ ગઇકાલે રાત્રે વધુ એક વખત સરકારી વનસ્પતી ઔષધિય ઉદ્યાનમાં ત્રાટકીને ચંદનના વૃક્ષની ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઉદ્યાનમાં ઉપસ્થિત સિક્યુરીટી જવાનોને આ બાબતની જાણ થતા તેઓએ પીછો કરતા આ તસ્કરો કાપેલા ઝાડને સ્થળ પર જ મુકીને અંધારાનો લાભ લઇને ભાગી છુટયા હતા.


ઉલ્લેખનીય છેકે, ઔષધિય ઉદ્યાન 70 વિઘામાં પ્રસરેલુ છે. જેમાં હજારોની સંખ્યામાં ઔષધિય વૃક્ષો આવેલા છે. તાજેતરમાં ચંદન તસ્કરોએ ઉદ્યાનમાં સાત અને ઉદ્યાનની બહાર સાબરમતી નદીના કિનારે ઉગેલા સાત મળીને 14 વૃક્ષો કાપીને ચોરી કરી ગયા હતા. જેના પગલે ઉદ્યાનમાં સિક્યુરીટીને વધુ ટાઇટ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા પણ આ વિસ્તારમાં રાત્રીના સમયે પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યુ છે. જોકે, તેમ છતા આ ચોરીનો સીલસીલો અટકતો નથી. હજુ 14 વૃક્ષો કપાયાની શાહી સુકાઇ નથી ત્યાં ગઇકાલે રાત્રીના સમયે ઔષધિય ઉદ્યાનમાં વધુ એક વખત ચંદન તસ્કરો ત્રાટક્યા હતા. તેઓ આરી જેવા હથિયારો સાથે ઉદ્યાનમાં ઘુસ્યા હતા. આ વખતે ઉદ્યાનમાં ઘુસવા માટે તેઓએ બોરીજ સાઇડના વિસ્તારનો પ્રવેશ કર્યો હતો. જે અત્યાર સુધી આ ઉદ્યાનમાં સેફ વિસ્તાર ગણાય છે. ઉદ્યાનમાં પ્રવેશીને તસ્કરોએ 15 વર્ષ જુના અને 95 સેન્ટી મિટરનો ઘેરાવો ધરાવતા ચંદનના વૃક્ષને કાપ્યુ હતું. એટલુજ નહી પરંતુ આ કાપેલા વૃક્ષના થડનું સ્થળ પર જ કટિંગ કરીને તેના સાત જેટલા ટુકડા કરવામાં આવ્યા હતા. આ એક ટુકડાનું વજન સો કિલો આસપાસ થાય છે. તેને ઉઠાવીને તસ્કરો ફરાર થતા હતા ત્યાં જ ઉદ્યાનમાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવતા સિક્યુરીટી ગાર્ડનું ધ્યાન રાત્રીના સમયે ઉપરોક્ત સ્થળે થતી હલનચલન પર પડી હતી. બેટરીનો પ્રકાશ કરતા જ કેટલાક લોકો નજરે ચડયા હતા. પીછો કરતા તેઓ ભાગી છુટયા હતા. ઉલ્લેખનીય છે કે,જે સ્થળે ચંદનના વૃક્ષ કાપવામાં આવ્યુ ત્યાં ગાઢ જંગલ છે. દિવસના સમયે પણ દસથી પંદર ફુટની વિઝીબીલીટી છે. આ ગાઢ જંગલ અને રાત્રીના સમયનો લાભ ઉઠાવીને તસ્કરો કાપેલા વૃક્ષને સ્થળ પર જ મુકીને ભાગી ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી.


  • Follow us on: