- સરકાર સામે વિરોધનો મંગળવાર, સચિવાલયમાં પ્રવેશને અભિમન્યુના કોઠા સમાન કરી દેવાયો
- જાણે દુશ્મન હોય એમ પોલીસે બેરહેમીથી ઢોરની જેમ મહિલા ઉમેદવારોને ઢસડતા આક્રોશ
- ગાંધીનગરમાં હલ્લાબોલ, શિક્ષકોની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી આંદોલનનું એલાન
દરવર્ષે 15 જૂન આસપાસ કાયમી શિક્ષકોની ભરતી થશે' શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના અને તેમના પૂરોગામીઓએ કરેલી જાહેરાતો બાદ પણ ગુજરાતમાં હજારોની સંખ્યામાં ખાલી જગ્યા સામે કાયમી શિક્ષકોની ભરતી જ થતી નથી.
સરકારે મેરિટ હોવા છતાંયે કરાર આધારિત જ્ઞાન સહાયકોનું ચલકચલાણુ શરૂ કરતા TET- TAT પાસ ઉમેદવારો અકળાયા છે. રોષે ભરાયા છે. કાયમી નોકરીની માંગણી સાથે મંગળવારે ગાંધીનગર આવેલા ઉમેદવારોને પોલીસે અટકાવ્યા, રસ્તા પર બેરહમી પૂર્વક ઢસડીને ઢોરની જેમ ડબ્બામાં પુરવાનું શરૂ કરતા રાજ્યભરમાં આક્રોશ ફાટયો છે. અહીંના રાજમાર્ગો ઉપર દિવસભર હલ્લાબોલમાં ઉમેદવારો અને તેમના વતી લડત લડી રહેલા આગેવાનોએ સરકાર કાયમી શિક્ષકોની ભરતી નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા, ગાંધીનગરમાં અડિંગો જમાવીને બેસી રહેવા એલાન કર્યું છે.
રાજકોટ અગ્નિકાંડમાં જેમણે પોતાના આપ્તજનો ગુમાવ્યા છે તે પીડિત પરિવારો, જૂનાગઢમાં ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજાએ અપહરણ કરી યુવકને માર મારવાના કેસમાં દલિતો આંદોલન ઉપર છે. વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્થાનિકોને અનામતથી વિમુખ કરતા તમામ રાજકીય પક્ષોના વિદ્યાર્થી નેતા, વાલીઓ એક થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે કાયમી શિક્ષકની ભરતીની માંગણી સાથે સેંકડો TET- TAT પાસ ઉમેદવારો ગાંધીનગર આવે તે પહેલા જ મંગળવારની સવારથી જ સચિવાલયને ફરતે ચારથી વધારે લેયરનો બંદોબસ્ત ખડકી દેવાયો હતો.
સામાન્ય મુલાકતી માટેનો દિવસ હોવાથી અહીં સચિવાલયમાં પ્રવેશવું એ અભિમન્યુના કોઠા સમાન થઈ પડયું હતું. ગાંધીનગર આવતા દરેક માર્ગ ઉપર પોલીસ દ્વારા થઈ રહેલી પુછપરછ અને તપાસને કારણે સામાન્ય નાગરિકોમાં પણ કંઈક અજૂગતુ થઈ રહ્યાના ડર વચ્ચે ભારે રોષ જોવા મળ્યો હતો.
ગાંધીનગરમાં હલ્લાબોલની સાથે રાજકોટ અને વડોદરામાં સ્વામિનારાયણના સાધુઓ સામે વ્યાભિચારના આક્ષેપો અનેક શહેરોમાં હરિભક્તોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. સુરતમાં તો કલેક્ટર કચેરીએ જઈને સાધુઓને કાઢી મુકવા આવેદનપત્રો અપાયા હતા. પાટણમાં નીટની પરીક્ષા રદ્દ કરવા માંગણી સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. પાવાગઢમાં જૈન પ્રતિમાઓને ખસેડવા મુદ્દે સુરત, વડોદરામાં જૈન સમાજમાં રોષ છે, ન્યાયની માગણીઓ સાથે આંદોલન યથાવત છે ત્યારે જૂનાગઢમાં મહારાજા ફિલ્મના વિરોધમાં વૈષ્ણવ સંપ્રદાયના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. તરસાલી અને સુરેન્દ્રનગર નગરપાલિકામાં સ્થાનિક પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શનો થયા હતા. દાહોદ અને અમરેલીમાં ભૂમાફિયાઓની સામે કાર્યવાહી માટે આવેદન પત્રો અપાયા હતા. આમ, મંગળવાર એ રાજ્યભરમાં ન્યાયની માંગ માટે વિરોધ પ્રદર્શનો અને આંદોલનોનો બની રહ્યો હતો.