- કેન્દ્રની 50%, ગુજરાતની 20% જેટલી પ્રોજેક્ટ્સને સબસિડી
- સૌથી મોટો તાતાનો પ્રોજેક્ટ 2026માં કાર્યરત થવાની શક્યતા
- 19મી જુલાઈએ ગુજરાત સેમિ કનેક્ટ કોન્ફરન્સનું આયોજન
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ત્રણ પ્રોજેક્ટ સ્થપાઈ રહ્યાં છે. તાતા જૂથની તાતા ઇલેક્ટ્રોનિક્સ કંપની ધોલેરામાં સેમિ કન્ડક્ટર-ચિપના ઉત્પાદન માટે રૂ. 91 હજાર કરોડના ખર્ચે પ્રોજેક્ટ સ્થાપી રહી છે. યુએસ સ્થિત માઇક્રોન ટેક્નોલોજિસ સાણંદ જીઆઇડીસી ખાતે રૂ. 22,516 કરોડના ખર્ચે સેમિ કન્ડક્ટર એસેમ્બલી યુનિટ સ્થાપી રહી છે. જ્યારે મુરૂગપ્પા જૂથની સી.જી. પાવર કંપની પણ સાણંદમાં રૂ. 7,600 કરોડના ખર્ચે એસેમ્બલી ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ યુનિટ ઊભું કરી રહી છે.
ગુજરાત સરકારે તાતા ઇલેક્ટ્રોનિક્સને ધોલેરામાં પ્રથમ તબક્કે 160 એકર, સી.જી. પાવરને સાણંદમાં 28 એકર તથા માઇક્રોનને 93 એકર જમીન એલોટ કરેલી છે.કેન્દ્ર સરકારે તેની સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ આ ત્રણે પ્રોજેક્ટને કુલ રોકાણના 50 ટકા સબસિડી આપવાનું જાહેર કરેલું છે. જ્યારે ગુજરાત સરકારે તેની આ ક્ષેત્રની નીતિ અન્વયે પ્રોજેક્ટના કુલ રોકાણના 20 ટકા સબસિડી આપવાનું કમિટમેન્ટ આપેલું છે. મતલબ કે ઉક્ત ત્રણે પ્રોજેક્ટમાં પ્રમોટર્સ દ્વારા 30 ટકા રોકાણ થશે. રાજ્યના ત્રણે પ્રોજેક્ટ પૈકી સૌથી મોટો તાતાનો પ્રોજેક્ટ 2026માં વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરનારો છે.










