માણસા તાલુકાના હરણાહોડા ગામે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી પહેલા ગ્રામજનોમાં રોષ વ્યાપી રહ્યો છે. તેઓએ મતદારયાદી અને સીમાંકન મુદ્દે અસંતોષ વ્યક્ત કર્યો છે અને આ પ્રશ્નનો ઉકેલ નહી આવે તો ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. ગ્રામજનોએ નવી મતદારયાદી અને સીમાંકન ગ્રામજનોની હાજરીમાં તૈયાર કરવાની માંગ કરી છે.
તેઓએ પ્રશ્નનો નિવેડો ન આવે ત્યાં સુધી ચૂંટણી મોકુફ રાખવાની પણ માંગ કરી છે. જે મામલે તંત્ર સમક્ષ રજુઆત કરાઇ છે.
લાંબા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નહી થતા ગ્રામપંચાયતોમાં વહિવટદાર દ્વારા શાસન ચાલી રહ્યુ હતું. ત્યારબાદ હવે આ તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે માણસા તાલુકામાં પણ 51 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. જેમાં હરણાહોડા ગામનો સમાવેશ થાય છે. આ ગામમાં ચૂંટણી અનુસંધાને નવુ વોર્ડ સિમાંકન અને મતદારયાદી બનાવવામાં આવી હતી. આ યાદી ખોટી અને ભુલભરેલી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા માણસા મામલતદારને મળીને એક આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જેમાં નવી મતદારયાદી અને નવુ વોર્ડ સિમાંકન ગ્રામજનોને જાણ કર્યા વગર બનાવવામાં આવ્યુ હોવાનું ઉપરાંત તેને પ્રસિધ્ધ પણ કરવામાં આવ્યુ નહી હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. જેના પ્રતાપે આ વોર્ડ સિમાંકન અને નવી મતદારયાદી રદ્દ કરી નવી યાદી અને સીમાંકન કરવામાં આવે ત્યાં સુધી હાલની ચૂંટણી મોકુફ રાખવાની માંગ કરી જો તેમની આ માંગણીનો સ્વિકાર કરવામાં નહી આવે તો તમામ ગ્રામજનો દ્વારા હરણાહોડા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે.