- સમગ્ર દેશમાં આગામી સપ્તાહથી થશે ગણેશોત્સવનો દમદાર પ્રારંભ
- પેપર, લાલમાટી, ભાવનગરની માટીમાંથી બનાવેલી પ્રાકૃતિક મૂર્તિઓની ડિમાન્ડ
- વડોદરામાં ગણેશ ભક્તોમાં વધી રહ્યો છે ઇકોફ્રેન્ડલી ગણેશની માંગ
આગામી સપ્તાહથી ગણેશોત્સવનો આન-બાન-શાન સાથે પ્રારંભ થશે. આ વર્ષે શ્રીજીની નાની નયનરમ્ય ઇકોફ્રેન્ડલી-માટીની મૂર્તિઓ મહારાષ્ટ્રથી વધુ સંખ્યામાં આવી છે. જ્યારે, બીજીબાજુ ગણેશોત્સવનો ઉત્સાહ-ઉમંગ ઉત્તરોત્તર વધવા સાથે બજારમાં ભીડ જામશે. પર્યાવરણની રક્ષાનો સંદેશ આપવા યુવતીએ શ્રીજીની પ્રાકૃતિક મૂર્તિઓ પેપર, લાલમાટી, ભાવનગરની ભૂતડામાટીમાંથી બનાવી છે.

શહેરના પોલોમેદાન, નવાબજાર-રોકડનાથ રોડ, ચોખંડી, માંજલપુર, રેસકોર્સ-ચકલી સર્કલ, બરાનપુરા, ગોત્રી, કારેલીબાગ, પરિવાર ચાર રસ્તા, સોમાતળાવ સહિત વિવિધ વિસ્તારોમાં 150 કરતા વધુ તંબુમાં શ્રીજીની સેંકડો આકાર-પ્રકારની મૂર્તિઓ છે. સમાજમાં જાગૃતતા કેળવાતા પ્લાસ્ટર ઓફ પેરિસ(POP)ની મૂર્તિઓનું ચલણ ઘટવા પામ્યું છે. જે સાથે માટીની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓનું ચલણ વધવા સાથે માગ વધતા ભાવ પણ વધ્યા છે જેથી, એડવાન્સ બુકીંગ ઘટયા છે. આવી પરિસ્થિતીમાં વેપારીઓ અસમંજસ અનુભવે છે. અલબત્ત, ગણેશોત્સવના કાઉન્ટ-ડાઉન સાથે બજારમાં ભીડ ઉમટશે.

વડોદરા શહેરના કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે પ્રાકૃતિક ગણેશ મૂર્તિનું વેચાણ કરતા કેન્દ્રમાં લજ્જા શર્મા સહિત તેની સહેલીઓએ શ્રીજીની લાઇટવેટ ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી પર્યાવરણનું જતન કરવાનો સંદેશ આપ્યો છે. શર્માના જણાવ્યા મુજબ આ વર્ષે પેપરમાંથી શ્રીજીની 50 મૂર્તિ તૈયાર કરી છે. જે મૂર્તિનું વજન ખુબજ ઓછું હોઇ બાળકો પણ સરળતા પૂર્વક ઉંચકી શકે છે. એટલું જ નહિં, મૂર્તિ ખંડિત થવાનો ભય પણ સતાવતો નથી. પ્રાકૃતિક ગણેશની મૂર્તિઓ બનાવવાનો પ્રારંભ ડિસેમ્બર મહિનાથી કરાય છે. 35 જેટલા મૂર્તિકારો દાહોદ, વડોદરા, સુરતના સ્ટુડિયોમાં મૂર્તિ તૈયાર કરે છે. કિશોરભાઇ રાજહંસ અને વિરાંગ રાજહંસે વધુમાં ઉમેર્યું હતું કે પ્રાકૃતિક ગણેશની મૂર્તિ 6 ઇંચથી 4 ફુટની ઊંચાઇ સુધીની બનાવી શકાય છે. જેનો ભાવ રૂ.500થી 15000 સુધી હોય છે.