- બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને કર્યો પાટીલનો કટાક્ષ
- હવે પાર્ટીમાં ગુંદર ચોટાડીને રહેજોઃ સીઆર પાટીલ
- ધવલસિંહ વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ છોડ્યું હતું
આજે અરવલ્લી કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. કોંગ્રેસના 350થી વધુ કાર્યકરો અને 30 સિનિયર નેતાઓ આજે ભાજપમાં જોડાઈ ગયા છે. જેમાં, બાયડ, ધનસુરા અને મોડાસા તાલુકાના કોંગી અગ્રણીઓએ કોંગ્રેસને રામ-રામ કરીને ભગવો ખેસ ધારણ કરી લીધો છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયેલા કોંગી નેતાઓ અને કાર્યકરોને ખેસ પહેરાવ્યાં હતા. તો સાથે સાથ, અરવલ્લી જિલ્લાનું કોંગ્રેસનું મોટું સહકારી માળખું ભાજપ સાથે જોડાઈ ગયું છે. સાબરડેરી ડિરેક્ટર અને પૂર્વ જી.પં. કારોબારી અધ્યક્ષ સચિન પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. તો, આપ પાર્ટીના ચૂંટાયેલા તાલુકા સદસ્ય રાહુલ સોલંકીએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તો આ બધા વચ્ચે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપ છોડીને અપક્ષ ઉમેદવારીનોંધાવનાર ધવલસિંહ ઝાલા પણ ભાજપનો ખેસ ધારણ કરીને જોવા મળ્યા હતા. એટલે સ્વાભાવિક વાત હતી કે તેઓ પણ ભાજપમાં પાછા ફર્યા છે.

તો આ તકે, ભાજપ પ્રદેશ પ્રમુખે ભાજપમાં જોડાયેલ તમામ નવા સભ્યોનું સ્વાગત કર્યું હતું. તો સાથે સાથે, ધવલસિંહ પર કટાક્ષ પણ કર્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હવે પક્ષમાં પાછા આવ્યા છો તો પાર્ટીમાં ગુંદર ચોંટાડીને રહેજો. શાંતિથી પાર્ટી સાથે જોડાયેલા રહો અને બાયડના લોકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખજો.

મહત્વનું છે કે, આ વખતની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપથી નારાજ ધવલસિંહ ઝાલાએ ભાજપને તિલાંજલિ આપીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ધવલસિંહ ઝાલા બાયડના ધારાસભ્ય છે અને તેઓ ફરીથી ભાજપમાં જોડાઈ ગયા છે.









