- કંસારા સજીવીકરણમાં પડ્યા મસમોટા ગાબડાં
- કંસારાને નવીનીકરણ પાછળ લાખોનું આંધણ
- સ્થાનિકો વહીવટી તંત્ર પર ઠાલવી રહ્યા છે રોષ
ભાવનગર શહેરના 3 થી વધુ વોર્ડને સ્પર્શ કરતું કંસારા કેનાલનું દૂષિત પાણીને રૂપિયા 50 કરોડના ખર્ચે કંસારા સજીવીકરણ નામ આપી તૈયાર કરવામાં આવી રહ્યું છે. પરંતુ, મનપાના અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાકટરના નબળા કામના લીધે આ કેનાલમાં ગાબડા પડી ગયા છે જેથી નબળું કામ થયું હોય તેવી આશંકા સેવાઇ રહી છે.

ભાવનગર શહેરના 3 થી વધુ વોર્ડને સ્પર્શ કરતું કંસારા કેનાલના દૂષિત પાણીને હાલ રૂપિયા 50 કરોડના ખર્ચે કંસારા સજીવીકરણ નામ આપી તેનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ 3 વખત કંસારા કેનાલના અલગ અલગ નામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છતાં હજુ સુધી આ દૂષિત પાણીને શુદ્ધ કરવા માટેના કામનો કોઈ નિકાલ નથી આવતો. ત્યારે, હાલ જે કંસારા સજીવીકરણનું કામ ચાલુ કરવામાં આવ્યું છે તેના કેનાલ માં મસમોટા ગાબડાઓ પડ્યા છે જેના કારણે નબળી ગુણવત્તા નું કામ થયું હોવાના આક્ષેપ મનપા ના પૂર્વ વિપક્ષ ના નેતા કરી રહ્યા છે.

કંસારા સજીવીકરણમાં બનાવવામાં આવેલ કેનાલમાં સુભાષનગર પાસે પડી ગયેલા ગાબડાઓને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આ અંગે પૂછતાં તેઓ જણાવે છે કે આ અંગે મનપાના અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને થોડા જ સમયમાં આ કામ રીપેર થઈ જશે તેવી ખાતરી પણ આપી હતી. આ ઉપરાંત કોન્ટ્રાકટર સામે યોગ્ય પગલાં લેવા માટે પણ અધિકારીઓ ને સૂચના આપવામાં આવી છે.

મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ કરીને વિકાસના કામો કરવામાં આવે પરંતુ તેની યોગ્ય રીતે મોનીટરીંગના થતું હોય જેથી કોન્ટ્રાકટરોને પણ લાભ થતો હોય છે અને નબળા કામ થતા હોય છે. ત્યારે, મનપાના કોન્ટ્રાકટરો ઉપર અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ્ય ધ્યાન રાખી મનપામાં થતા નબળા કામને અટકાવવા જોઈએ તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.