- ગુજરાતભરમાં ઠેર ઠેર તૈયારીઓ
- અલગ અલગ શહેરોમાં અલગ અલગ તૈયારીઓ
- રાજકોટ અમદાવાદમાં તંત્રે કરી ખાસ તૈયારીઓ
ગુજરાતમાં નવરાત્રીના તહેવારમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. દરેક શહેરોમાં ગરબા આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વડોદરાના ડભોઈમાં ગરબા આયોજકોએ અનોખો નિર્ણય લીધો છે. તિલક વિના ખેલૈયાઓને ગરબામાં એન્ટ્રી નહીં મળી શકે.
વડોદરાના ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા ગરબા આયોજનમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસાર ગરબામાં ભાગ લેવા ઈચ્છુક દરેક ખેલૈયાઓ માટે નિયમો બનાવ્યા છે. જેમાં ખેલૈયાઓને ટ્રેડિશનલ ડ્રેસની સાથે જ કપાળે તિલક લગાવવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી ગરબામાં જે કોઈ પણ ખેલૈયાઓએ કપાળે તિલક નહીં કર્યું હોય તેમને ગરબામાં એન્ટ્રી ન નહીં મળી શકે. ખાસ કરીને અમુક વિધર્મી તત્વો દ્વારા હિન્દુ દીકરીઓને હેરાન કરવામાં આવે છે અથવા છેડતી થાય તો તેને થતા પહેલા જ નિવારવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે બિન હિન્દુને ગરબામાં એન્ટ્રી નહીં મળી શકે.
આ ઉપરાંત અમદાવાદ અને રાજકોટમાં પણ ગરબાને લઈને તંત્ર અને આયોજકો દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદમાં નવરાત્રિને લઈને પોલીસની ગાઈડલાઈન જાહેર થઇ છે. જેમાં નવરાત્રિના આયોજન માટે પોલીસ પરમિશન લેવી પડશે. તેમાં પરમિશન માટે ફાયર સેફ્ટી, ઈલેક્ટ્રિશનનું પ્રમાણપત્ર જરુરી છે. તથા એમ્બ્યુલન્સ અને તબીબ સ્ટાફને ગ્રાઉન્ડમાં ખડેપગે રખાશે. તેમજ આયોજન સ્થળે પુરુષ, મહિલા ગાર્ડ ફરજિયાત રહેશે.
આ વર્ષે 50 પાર્ટી પ્લોટ, ક્લબમાં ગરબાનું આયોજન કરાયું
અમદાવાદમાં આ વર્ષે 50 પાર્ટી પ્લોટ, ક્લબમાં ગરબાનું આયોજન કરાયું છે. નવરાત્રિને હવે 10 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ પણ સુરક્ષાના મુદ્દે સજ્જ બની છે. જેમાં 12 વાગ્યા પછી લાઉડ સ્પીકરની મંજૂરી નહીં. તથા અમદાવાદમાં 50 પાર્ટી પ્લોટ સહિત ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા સ્થળેથી 100 મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. ગાઈડ લાઈનનો ઉલ્લઘંન થશે તો પરમિશન રદ થશે. જેમાં 12 મુદ્દાની ગાઈડલાઇન બહાર પાડી છે.
પોલીસ પરમિશન લેવા માટે ફાયર સેફ્ટી, ગર્વમેન્ટ ઓથોરાઈડ્ઝ ઈલેક્ટ્રિશનનું પ્રમાણપત્ર, આર્ટિસ્ટનું સંમતિ પત્ર, મહિલા અને પુરુષ સિક્યોરિટી ગાર્ડની સંખ્યા સાથેની વિગતો ફરજીયાત આપવી પડશે. સાથે જ આયોજનના સ્થળે ટ્રાફિક જામ ન થાય તે માટે 100 મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા કરવા સાથે ગરાબ આયોજકો દ્વારા એમ્બ્યુલન્સ અને ડૉક્ટર-નર્સના સ્ટાફને ગ્રાઉન્ડમાં જ ખડે પગે રખાશે.
108ની વ્યવસ્થા
રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા નવરાત્રીની ઉજવણી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વની જાણકારી અનુસાર રાજકોટમાં 49 જેટલા સ્થળોએ સાર્વજનિક નવરાત્રી આયોજન થાય છે. આ તમામ સ્થળો પર ખાસ 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ સિવિલમાં હાલમાં જ એક કેથ લેબને પણ કાર્યરત કરવામાં આવી છે. જેના લીધે હાર્ટનો પ્રોબ્લેમ ધરાવતા અનેક દર્દીઓને રાહત મળી શકશે.
ખાનગી તબીબોની ટીમ ગોઠવાશે
રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા આ સિવાય પણ બીજી અમુક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં સરકારીની સાથોસાથ જરૂર પડ્યે અમુક જગ્યાઓ પર ખાનગી તબીબોની ટીમને તૈનાત રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી કે કોઈ પણ પ્રકારની ઈમરજન્સી ઊભી થાય તો તે સમયે લોકોને પૂરતી સારવાર આપી શકાય. આ ઉપરાંત જરૂર જણાય તો પોલીસ ટીમને પણ સ્ટેન્ડ ટુ રાખવાના નિર્દેશ અપાયા છે. આમ રાજકોટમાં નવરાત્રી સમયે કોઈ પણ પ્રકારની અનહોની ન થાય અને ખેલૈયાઓની સાથે તમામ ઓડિયન્સના પણ જાનમાલની રક્ષા થઈ શકે તે માટે રાજકોટ જિલ્લા તંત્ર સાબદું બન્યું છે.