થાનમાં રહેતા વૃધ્ધા સામાજિક કામસર ચૂડા ગયા હતા. જયાંથી પરત થાન જવા માટે તેઓ ગત તા. 08-10ના રોજ રાત્રે ઈન્ટરસિટી ટ્રેનની રાહ જોઈ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન બેઠા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ કેફી પદાર્થ વાળી ચા પીવડાવી તેઓને બેભાન કરી રોકડ અને સોના-ચાંદીના ઘરેણાં સહિત રૂ. 1,25,500ની મત્તાની ચોરી કરી લઈ ગયાની સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન સૌરાષ્ટ્રને દેશના અન્ય ભાગો સાથે જોડતુ મહત્વનું રેલવે સ્ટેશન છે. રાત્રીના સમયે પસાર થતી લાંબા અંતરની ટ્રેનોમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવે છે. ત્યારે એક વૃધ્ધાને બેભાન કરી રોકડ અને ઘરેણાંની ચોરીનો બનાવ સામે આવ્યો છે. રેલવે પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ થાનના રૂપાવટી રોડ પર આવેલા ધર્મેન્દ્રનગરમાં રહેતા 65 વર્ષીય સુભાનબેન મહોમદભાઈ જરગેલા ગત તા.08મીએ સામાજીક કામસર ચૂડા ગયા હતા. જયાંથી પરત થાન જવા માટે તેઓ ભાવનગરથી સુરેન્દ્રનગર આવતી લોકલ ટ્રેનમાં સાંજે સુરેન્દ્રનગર આવ્યા હતા અને સુરેન્દ્રનગરથી થાન જવા ઈન્ટરસીટી ટ્રેનની રાહ જોઈ સ્ટેશને બેઠા હતા. જેમાં તેઓને માથામાં બળતરા થતા પરબે પાણી પી અને માથા પર પાણી છાંટીને બાંકડા પર બેઠા હતા. આ સમયે એક પીળી સાડી પહેરેલી સ્ત્રી અને બે પુરૂષ તેમની પાસે આવ્યા હતા. અને મજા ન હોય તો ચા કે ઠંડુ પીવો તેમ કહ્યુ હતુ. પરંતુ વૃધ્ધાને ના પાડી હતી. તેમ છતાં પરાણે તેઓને ઝેરી પદાર્થ ભેળવેલી ચા પીવડાવી હતી અને થોડીવારમાં સુભાનબેન બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ આ ત્રણેય શખ્સો સુભાનબેને પહેરેલા રૂ. 30 હજારની સોનાની બુટ્ટી, રૂ. 20 હજારની સોનાની સેર, રૂ.1 હજારની કિંમતના સોનાના કાનના દાણા, રૂ. 500નો સોનાનો નાકનો દાણો, 50 હજારની સોનાની ચેન, રૂ.20 હજારના પગમાં પહેરેલ ચાંદીના છડા અને રોકડા રૂ. 4 હજાર મળી કુલ રૂપિયા 1,25,500ની મત્તાની ચોરી કરીને લઈ ગયા હતા. બનાવની સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










