• અમદાવાદના નિલેશ મહેતા, સુનીલ મહેતાને માણસા પોલીસે ઝડપ્યા
  • જિનાલયમાં ચઢાવાયેલા સોનાના વરખમાંથી સેરવી લીધેલા
  • બંને ટ્રસ્ટીઓને પકડવા બંધ સીસીટીવી કેમેરા ચાલુ કરાયા

ગાંધીનગરમાં આવેલા સુપ્રસિધ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવીર જિનાલયમાં ચઢાવવામાં આવેલ સોનાના વરખમાંથી 45 લાખનું સોનું સેરવી લેવાના મામલે પોલીસે બે ટ્રસ્ટીઓની ધરપકડ કરી છે. આ બન્ને ટ્રસ્ટીઓએ ઘંટાકર્ણ મહાવીરને ચઢાવવામાં આવેલા સોનાના વરખમાંથી સોનું સેરવી લીધાનું બહાર આવતા મુર્તિપુજક જૈન સમાજમાં રોષ ફેલાયો છે. માણસા પોલીસે ટ્રસ્ટી નિલેશ કાંતીલાલ મહેતા (રહે. ઉમાસુત, ફ્લેટ,વાસણા, અમદાવાદ) તથા સુનિલ બાબુલાલ મહેતા (રહે. પિનલપાર્ક સોસાયટી, શાંતિવન બસ સ્ટોપ પાલડી) ની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા બન્ને ટ્રસ્ટીઓ પ્રિન્ટીગ પ્રેસના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લા ચાર મહિનાથી સોના અને રોકડ રકમની ભંડારામાંથી ઉચાપત કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. પોલીસે બન્ને ટ્રસ્ટીઓની પુછપરછ કરતા પહેલા ઈન્કાર કર્યો હતો પરંતુ સીસીટીવી ફુટેજ બતાવતા તેઓ ભાંગી પડયા હતા અને ગુનાની કબૂલાત કરી હતી.

આ મામલે મહુડી ઘંટાકર્ણ મહાવીર જિનાલયમાં મુર્તિપુજક જૈન સમાજના અલગ અલગ આઠ ટ્રસ્ટીઓ છે. જે પૈકી નિલેશ કાંતીલાલ મહેતા અને સુનિલ બાબુલાલ મહેતા વર્ષ 2020થી ટ્રસ્ટીઓ તરીકે જોડાયા હતા. મહુડી ટ્રસ્ટી ભુપેન્દ્રભાઇ વોરાએ જિનાલયમાંથી સોના અને રોકડની ઉચાપત કરનાર જિનલાયના ટ્રસ્ટી નિલેશ કાંતીલાલ મહેતા અને સુનિલ બાબુલાલ મહેતા સામે માણસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જિનલાય ટ્રસ્ટ દ્વારા ઘંટાકર્ણ મહાવીર દેવના સંપુર્ણ વર્ષનો સોનાના વરખનો ઉતારો વર્ષમાં એક વખત ધનતેરસના દિવસે ઉતારવામાં આવે છે. વર્ષ 2022માં મંદિરના ટ્રસ્ટીએ સોનાના વરખનો ઉતારો ઉતારી એક ડોલમાં મુકી ડોલ તિજોરીમાં મુકી હતી. જે ડોલ ટ્રસ્ટીઓએ એક વખત ગાળવા માટે બહાર કાઢી હતી. પરંતુ તે દિવસે સોનાનો વરખ ગાળવાનું શક્ય નહી બનતા ટ્રસ્ટીઓની હાજરીમાં ડોલ પુનઃ પાછળ જાળીમા મુકીને તાળુ મારી દીધુ હતું.આ પછી 15 માર્ચ 2023ના રોજ ડોલમાં રાખેલ સોનાના વરખ અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં ગાળ્યો હતો. જેમાં 700 થી 800 ગ્રામ વજન ઓછુ ઉતર્યુ હતું.તે વખતે ટ્રસ્ટી ભુપેન્દ્રભાઇ વોરાને શંકા ગઇ હતી. ત્યારે તેમને સ્ટાફને પુછપરછ કરતા બહાર આવ્યુ હતુ કે, થોડા દિવસ પુર્વે ટ્રસ્ટી નિલેશ મહેતા અને સુનિલ મહેતા આવ્યા હતા અને ઓફિસ પાસેની જાળીમાં મુકેલ સોનાની વરખની ડોલ તથા બીજી સોના ચાંદીની લગડીઓ બહાર કાઢી હતી. આ પછી બંને ટ્રસ્ટીઓ એકાઉન્ટન્ટની ઓફિસમાં જઈને સ્ટાફને જમવાના મોકલીને સોનાના 700 થી 800 ગ્રામ વરખ બે થેલામાં મુકી દીધા હતા. આ બંને ટ્રસ્ટીઓએ જ સોનાના વરખ સેરવી લીધા પછી દાદાને ચડાવવામાં આવતા ભંડારામાં પણ તેઓેએ હાથ અજમાવ્યો હતો. ટ્રસ્ટી નિલેશ મહેતા ભંડારામાંથી નીકળેલી સોનાની ચેઇન તથા રોકડ રૂપિયાનું બંડલ સેરવી લઈને ટોયલેટમાં જતા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોવા મળ્યુ હતું.આમ બન્ને ટ્રસ્ટીઓ દ્વારા 45 લાખનું સોનું તથા સોનાનો દોરો અને રોકડ રકમ લઈ ગયા હતા.

બંને ટ્રસ્ટીઓને પકડવા બંધ સીસીટીવી કેમેરા ચાલુ કરાયા

મહુડી ઘંટાકર્ણ મહાવીર જિનાલયમા જે જગ્યાએ ભંડારાની ગણતરી થાય છે ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જેથી બંને ટ્રસ્ટીઓને જાણ ન થાય તે રીતે સીસીટીવી કેમેરા શરૂ કરાવ્યા હતા. ત્યારબાદ માર્ચ માસમાં ટ્રસ્ટીઓની હાજરીમાં ભંડારો ખોલવામાં આવ્યો હતો. જેની ગણતરી સમયના સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવામાં આવતા નિલેશ કાંતીલાલ મહેતાની હિલચાલ શંકાસ્પદ જોવા મળી હતી. તે વખતે એક કર્મીને ભંડારામાંથી સોનાની ચેન મળી હતી. જે ચેન તેઓ મેનેજર રાજેશ શાહને આપવા ગયા હતા ત્યારે નિલેશ મહેતાને જાણ કરી હતી. થોડીવારમાં નિલેશ મહેતા ચેન પોતાની પાસે મુકતા સીસીટીવી ફુટેજમાં જોવા મળે છે. આ ઉપરાંત પૈસા ભરેલ એક કવર પણ ખિસ્સામાં મુકીને બાથરૂમ તરફ ગયા હતા ત્યાંથી પરત આવ્યા બાદ સફેદ ખાલી કવર ફાડતા પણ સીસીટીવી ફુટેજમાં કેદ થયા છે. તેઓએ રૂમાલમાં એક પૈસાનું બંડલ પણ સંતાડયુ હતું. જે બંડલ સાથે પુનઃ બાથરૂમમાં જતા જોવા મળ્યા હતા. પરત આવ્યા ત્યારે રૂમાલ ખાલી જોવા મળ્યો હતો.

વરખ ચોરવા પૂજારી પાસેથી સુખડનું તેલ મંગાવેલું

મહુડી સ્થિત શ્રી ઘંટાકર્ણ મહાવિર દેવને સોનાનો વરખ ચડાવવામાં આવે છે. તેમાં સુખડના તેલનું મિશ્રાણ હોય છે. સુખડનું તેલ અત્યંત સુગંધીત હોય છે. સોનાનો વરખ સાથે લઇ જાય તો તેની સાથે સુખડના તેલની સુગંધ પણ આવી શકે છે. જેનાથી પકડાઇ જવાની શંકા વધુ રહે છે. જેથી બંને ટ્રસ્ટીઓ પુરતી તૈયારી કરીને આવ્યા હતા.