• અન્ય ઉદ્યોગપતિઓને પણ જલદી આવી મંજૂરીની આશા જાગી

  • સૌપ્રથમ પ્રેમજી ઇન્વેસ્ટ અને કેટામારાન વેન્ચર્સે મંજૂરી માગી હતી
  • ચીનની જેમ ભારતમાં વિદેશોમાં મૂડીરોકાણ પર કડક નિયંત્રણો છે

 દેશના નવા ફાયનાન્સિયલ હબ એવા ગિફ્ટ સિટી દ્વારા વિદેશોમાં રોકાણ માટેની સૌપ્રથમ મંજૂરી વિપ્રો લિમિટેડના ફાઉન્ડર ચેરમેન અઝીમ પ્રેમજીની ફેમિલી ઓફિસને આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રેમજી ઇન્વેસ્ટે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે ફેમિલી ઇન્વેસ્ટમેન્ટ ફંડ (FIF) સ્થાપવા સૈદ્ધાંતિક મંજૂરી મેળવી છે. સૂત્રો મુજબ ઉદ્યોગપતિ પરિવારોને વિદેશોમાં રોકાણોની મંજૂરી સંબંધિત FIF માટેની હજુ સંખ્યાબંધ અરજીઓ પેન્ડિંગ છે. સૌપ્રથમ પ્રેમજી ઇન્વેસ્ટ તથા નારાયણ મૂર્તિનું પીઠબળ ધરાવતી કેટામારાન વેન્ચર્સે આવી મંજૂરી માગી હતી. ચીનની જેમ ભારતમાં વિદેશોમાં મૂડીરોકાણ પર કડક નિયંત્રણો છે. નિવાસી ભારતીયોને દર વર્ષે અઢી લાખ ડોલર (અંદાજે બે કરોડ રૂપિયા) વિદેશ મોકલવાની છૂટ છે, જેમાં મિલકતની ખરીદી, શેર અને સિક્યોરિટીઝમાં રોકાણ તેમજ વિદેશમાં સંયુક્ત સાહસો અથવા પેટાકંપનીઓની સ્થાપનાનો સમાવેશ થાય છે. મોદી સરકાર દ્વારા ફ્રી માર્કેટ પાઇલટ તરીકે ઓળખાવવામાં આવેલું ગિફ્ટ સિટી નિયમો અને કરવેરાથી અવરોધ વિના ફાયનાન્સિયલ હબ બનવાનું લક્ષ્ય ધરાવે છે. ભારતીય ઉદ્યોગપતિઓની સંપત્તિમાં વૃદ્ધિએ ફેમિલી ઓફિસીસના ગ્રોથ તેમજ પોર્ટફોલિયો ડાઇવર્સિફિકેશન માટેની ડિમાન્ડને વેગ આપ્યો છે. ઓગસ્ટ 2022માં ભારતીય રિઝર્વ બેંકે કેટલાક નિયમો હળવા કર્યા પછી ઘણા શ્રીમંત ભારતીયોએ વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટ ઓફિસીસ સ્થાપવાનું શરૂ કર્યું છે. આ નિયમોથી બિન-નાણાકીય સંસ્થાઓને વિદેશોમાં નવી સ્થપાયેલી ઓફિસીસના માધ્યમથી નેટવર્થના 400% સુધી રોકાણની મંજૂરી મળશે.


  • Follow us on: