• ગુજરાતની ગિફ્ટ સિટીની બેંકોએ કમાણી કરી
  • ગિફ્ટ સિટીમાં કુલ 6 બેંકો કાર્યરત છે
  • 21 માર્ચ, 2024 સુધીના આંકડા જાહેર થયા

ગુજરાતના ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીની બેંકોએ 1250 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. મહારાષ્ટ્ર ભાજપના નેતા અનિલ બોંડેએ રાજ્યસભામાં ગિફ્ટ સિટીની બેંકો વિશે પ્રશ્ન પુછ્યો હતો. જેને લઈને નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ માહિતી આપી હતી.

ગિફ્ટ સિટીમાં બેન્કો કેવી રીતે કામ કરે છે? : અનિલ બોંડે

મહારાષ્ટ્ર ભાજપના નેતા અનિલ બોંડેએ રાજ્યસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ગિફ્ટ સિટીમાં ચાલતી બેંકો વિશે માહિતી માંગી હતી. તેમણે પ્રશ્ન પુછ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલ ગિફ્ટ સિટીમાં કાર્યરત બેંકો કેવી રીતે કામ કરે છે અને કેટલી કમાણી કરી છે? અને જો કમાણી થતી હોય તો મહારાષ્ટ્રમાં પણ આ રીતે શરુઆત કરવી જોઈએ.

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ આપી માહિતી

મહારાષ્ટ્રના નેતા અનિલ સુખદેવ રાંવ બોંડેના પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં કુલ છ બેંકો કાર્યરત છે. બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, કેનારા બેંક, ઈન્ડિયા બેંક, એસબીઆઈ અને પીએનબી છે. જે તમામ બેંકોએ ચોખ્ખો નફો 1250 કરોડ કર્યો હતો. આ બેંકોએ 1 લાખ 80 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ આંકડો 21 માર્ચ 2024 સુધીનો છે.

ગિફ્ટ સિટીનો પ્રોજેક્ટ શું છે?

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી એટલે કે ગિફ્ટ સિટી, એક અલગ જ પ્રકારનો પ્રોજેક્ટ છે. જે વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે. જે ગુજરાતના ગાંધીનગરમાં સાબરમતી નદીના કિનારે આવેલું છે. જે અમદાવાદ એરપોર્ટથી 12 કિમી અને ગાંધીનગરથી 8 કિમી દુર છે. ગિફ્ટ સિટી એ ભારતનું પ્રથમ ગ્રિનફિલ્ડ સ્માર્ટ સિટી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેન્ટર છે. ગિફ્ટ સિટીએ વિશ્વભરમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. 2020માં, તે વૈશ્વિક નાણાકીય કેન્દ્ર સૂચકાંકમાં 10 સ્થાને રહીને સિદ્ધિ મેળવી છે. આ વધતા જતા વેપારને લીધે નાણાકીય લેન્ડસ્કેપને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યું છે. તેમજ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સહયોગ માટે અલગ જ માપદંડ સ્થાપિત કરે છે.

ગિફ્ટ સિટીનો હેતુ શું છે?

ગિફ્ટ સિટી પ્રોજેક્ટનો હેતુ ફાઈનાન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતના સ્માર્ટ સિટી મિશનને આગળ લઈ જવાનો છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2007માં એક વિચાર મુકવામાં આવ્યો હતો કે, આધુનિક ઈન્ફાસ્ટ્રક્ચરને એકિકૃત કરવા અને વૈશ્વિક ઉદ્યોગપતિઓને આકર્ષવા એક પ્રોજેક્ટ શરુ કરવો જોઈએ. જે પ્રોજેક્ટ ગિફ્ટ સિટી તરીકે શરુ થયો અને હાલમાં વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ છે.

  • Follow us on: